<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

કોલ્‍ડ પ્‍લે કોન્‍સર્ટ : ગીત-સંગીતની સુનામી

અમદાવાદમાં બે દિવસીય ઇવેન્‍ટમાં દેશ-વિદેશથી લોકો ઉમટશેઃ ચાહકોમાં ભારે ઉત્‍સાહ :ઓટીટી પ્‍લેટફોર્મ ઉપર શો લાઇવ નિહાળી શકાશેઃ ૪ હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત : ૧ લાખ રિક્ષા સ્‍ટેન્‍ડ બાય રાખવા યુનિયનનો નિર્ણય

અમદાવાદ, તા.રપઃ અમદાવાદમાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્‍દ્ર મોદી ક્રિકેટ સ્‍ટેડિયમમાં કોલ્‍ડપ્‍લે બેન્‍ડનો લાઇવ કોન્‍સર્ટ ૨૫ અને ૨૬ જાન્‍યુઆરીના રોજ યોજાશે.નરેન્‍દ્ર મોદી ક્રિકેટ સ્‍ટેડિયમમાં કોલ્‍ડપ્‍લેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.કોલ્‍ડપ્‍લે કોન્‍સર્ટ મુંબઈમાં યોજાયા બાદ ૨૫ અને ૨૬ જાન્‍યુઆરીના રોજ અમદાવાદમાં યોજાશે.કોલ્‍ડપ્‍લેની ટીમ મુંબઈથી અમદાવાદ આવી પહોંચી છે.કોલ્‍ડપ્‍લે કોન્‍સર્ટમાં ચુસ્‍ત સુરક્ષા ગોઠવવામાં આવી છે, જેમાં ૩૮૦૦થી વધુ પોલીસ કર્મચારી તૈનાત રહેશે.

કોલ્‍ડપ્‍લે કોન્‍સર્ટ પહેલા કલાકારો અમદાવાદ પહોંચ્‍યા છે. સ્‍ટેડિયમ ક્રોસ રોડ પાસે કલાકારોએ ચાની ચૂસકી લીધી હતી.લાખો લોકો કોન્‍સર્ટમાં હાજરી આપશે.કોન્‍સર્ટ પહેલા કલાકારો ગુજરાતી આનંદ માણી રહ્યા છે. ૨૫-૨૬ જાન્‍યુઆરીનાં રોજ કોલ્‍ડપ્‍લે કોનસર્ટ પહેલા કોલ્‍ડ પ્‍લેની ટીમ દ્વારા મહત્‍વની જાહેરાત કરવામાં આવી હતી.નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં યોજાનાર શોને OTT પ્‍લેટફોર્મ પર લાઈવ સ્‍ટ્રીમ કરવામાં આવશે ૧.૨૫ લાખ પ્રેક્ષકો સ્‍ટેડિયમ ની અંદરથી જ્‍યારે અન્‍ય દર્શકો માટે OTT(ડિઝનીૅહોટ સ્‍ટાર) પર વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

કોલ્‍ડપ્‍લે કોન્‍સર્ટને લઈને મેટ્રો ટ્રેનની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ૨૫ અને ૨૬ જાન્‍યુઆરીના રોજ મધરાત્રે ૧૨.૩૦ કલાક સુધી મેટ્રો દોડશે. દર આઠ મિનિટના સમયાંતરે મેટ્રો ટ્રેન ઉપલબ્‍ધ થશે. અમદાવાદમાં મોટેરા સ્‍ટેડિયમથી એપીએમસી તથા થલતેજ ગામ સુધીના રૂટ ઉપર મેટ્રોનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.જાહેર પરિવહનનો ઉપયોગ કરીને આવનાર લોકો માટે પણ BRTS અને AMTS એ વધુ બસો દોડાવી છે.

આ દિવસે શહેરના ટ્રાફિકને અડચણ ન થાય અને કોન્‍સર્ટમાં આવનાર લોકોને પણ હેરાનગતિ ન થાય તે માટે શહેરમાં ટ્રાફિક વ્‍યવસ્‍થામાં વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે.સ્‍ટેડિયમની આસપાસ ૧૫ જેટલા ર્પાકિંગ પ્‍લોટ બનાવવામાં આવ્‍યા છે જેમાં એપ દ્વારા ર્પાકિંગ માટેની જગ્‍યા અગાઉથી જ બુક કરી શકાશે.

તો બીજી તરફ ૧૧ મેડિકલ સ્‍ટેશન અને ૭ એમ્‍બ્‍યુલન્‍સ સ્‍ટેડિયમમાં ખડેપગે રહેશે, સ્‍ટેડિયમમાં પણ ૩થી ૭ બેડની હોસ્‍પિટલ બનાવવામાં આવી છે. ૫ વાગ્‍યે શરુ થનાર કોન્‍સર્ટ માટે દર્શકોને બપોરે ૨ વાગ્‍યાથી સ્‍ટેડિયમમાં ગેટ નંબર ૧ અને ૨ થી પ્રવેશ આપવામાં આવશે.

રિક્ષાચાલકો અને ટેક્‍સી યુનિયન તરફથી પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.અમદાવાદ ઓટો રિક્ષા યુનિયન દ્વારા ૧ લાખ રિક્ષા સ્‍ટેન્‍ડ બાય રાખવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.

ગુજરાતીઓને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદમાં બ્રિટિશ બેન્‍ડના કોન્‍સર્ટની ટિકિટો મેળવવામાં મહારાષ્‍ટ્રના કોલ્‍ડપ્‍લેના ચાહકોએ ગુજરાતના લોકો કરતાં વધુ સંખ્‍યામાં ટીકીટ  મેળવી  છે. આંકડાઓ પર નજર કરીએ તો બે દિવસીય ઇવેન્‍ટ માટે ગુજરાતમાં કોલ્‍ડપ્‍લેના ચાહકોએ જેટલી ટિકિટ ખરીદી છે તેની સરખામણીમાં મહારાષ્‍ટ્રમાં રહેતા લોકોએ ૧૦,૦૦૦ થી વધુ ટિકિટો મેળવી છે. આયોજકોની નજીકનાસ્ત્રોત મુજબ, ૨૧ જાન્‍યુઆરી સુધી આપવામાં આવેલ ટિકિટ વેચાણ દર્શાવે છે કે મહારાષ્‍ટ્રમાં  ૫૯,૩૨૧ ટિકિટો વેચાઇ છે, જે ગુજરાતમાં ખરીદેલી ૪૮,૫૨૧ ટિકિટો કરતા વધુ છે.

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્‍ટેડિયમમાં યોજાનારી કોન્‍સર્ટ માટે રાજ્‍યની બહારના ચાહકોની સંખ્‍યા મોટાભાગની હોય છે અને આ પરિવર્તન ટિકિટના વેચાણમાં નોંધપાત્ર વલણ દર્શાવે છે. કોલ્‍ડપ્‍લેની કાયમી વૈશ્વિક અપીલ અને આંતરરાષ્‍ટ્રીય સંગીતના અનુભવો માટે  આ સીમાચિホ ઇવેન્‍ટ માટે દેશભરના ચાહકોને અમદાવાદ તરફ ખેંચ્‍યા છે.

જ્‍યારે ગુજરાતના સ્‍થાનિકોએ ઉત્‍સાહ દર્શાવ્‍યો છે, ત્‍યારે તેઓ મહારાષ્‍ટ્ર પછી ત્રીજા ક્રમે છે જે ટિકિટના વેચાણમાં આગળ છે, ત્‍યારબાદ કર્ણાટક ૨૮,૩૭૪ ટિકિટો સાથે બીજા ક્રમે છે, જે મહારાષ્‍ટ્ર દ્વારા મેળવેલી ટિકિટના અડધા કરતાં પણ ઓછી છે. રાષ્‍ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્‍હીએ પણ ૧૧,૪૭૫ ટિકિટો મેળવવામાં નોંધપાત્ર યોગદાન આપ્‍યું છે. આ દેશવ્‍યાપી માંગ મોટા પાયે આંતરરાષ્‍ટ્રીય કાર્યક્રમોના હબ તરીકે અમદાવાદની વધતી જતી પ્રતિષ્ઠાને રેખાંકિત કરે છે.

તમામ ૨૮ રાજ્‍યો અને પાંચ કેન્‍દ્રશાસિત પ્રદેશોમાંથી, ચાહકોએ અમદાવાદ કોન્‍સર્ટમાં હાજરી આપવા માટે ટિકિટ બુક કરાવી છે, જેમાં બે દિવસીય ઇવેન્‍ટ માટે કુલ ૨,૦૦,૩૮૩ ટિકિટો વેચાઈ છે. ૨૫ જાન્‍યુઆરીના રોજ કોન્‍સર્ટના ૧ દિવસની ૧,૨૫,૦૦૦ ટિકિટો વેચાઈ છે, જે એક રેકોર્ડ સંખ્‍યા છે.

 

કોલ્‍ડપ્‍લે ટીમને  રિવર ક્રુઝ આવકારશે

અમદાવાદઃ કોલ્‍ડપ્‍લેની ટીમને આવકારવા રિવર ક્રુઝ સજ્જ થયુ છે. સંભવિત મુલાકાતને લઈને આયોજકો તરફથી તૈયારી પૂર્ણ કરાઈ છે. સ્‍પેશિયલ મોમેન્‍ટો આપીને ટીમનું સ્‍વાગત કરાશે. અટલ બ્રિજ અને ફ્‌લાવર શો વિશે પણ જાણકારી અપાશે. ભારતીય ધાન્‍યોની વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે. જુના અને નવા અમદાવાદ વિશે કોલ્‍ડ પ્‍લેની ટીમને માહિતી અપાશે.

 

રૂટ ડાયવર્ટ કરાયા

કોલ્‍ડપ્‍લે કોન્‍સર્ટને લઇને અમદાવાદ સજ્જ છે. કોલ્‍ડપ્‍લે કોન્‍સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરાયા. જનપથ ચાર રસ્‍તાથી મોટેરા સ્‍ટેડિયમ જતો રસ્‍તો બંધ રહેશે. ૧૧૦૦ જેટલા પોલીસકર્મી ટ્રાફિક બંદોબસ્‍તમાં જોડાશે. સ્‍ટેડિયમની આસપાસ ૧૫ જેટલા ર્પાકિંગ સ્‍ટેન્‍ડ બનાવાયા છે. આયોજકો દ્વારા ‘શો માય ર્પાકિંગ' એપ હાયર કરાઇ

 

 

 

(2:15 PM IST)