તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ:રાજ્યના 3 જિલ્લામાં તાપમાન સિંગલ ડિજિટમાં જશે
27 જાન્યુઆરી સુધી ઠંડીના રાઉન્ડ પછી પણ શિયાળો સમાપ્ત નહીં થાય. ફેબ્રુઆરી મહિનામાં પણ સવાર-સાંજ લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થશે: પરેશ ગોસ્વામીની આગાહી

અમદાવાદ : ગત સપ્તાહે ઉત્તરાયણ પછી સમગ્ર ગુજરાતના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેમાં વહેલી સવારે ઠંડી અને બપોર પડતાં ગરમી અનુભવાઈ રહી છે. જો કે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ફરીથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું જોર વધ્યું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી 27 જાન્યુઆરી સુધી ઠંડીના રાઉન્ડની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, રાજસ્થાનના પૂર્વ ભાગ પર સક્રિય થયેલુ એન્ટી સાયક્લોન નબળુ પડીને હવે વિખેરાઈ ગયું છે. આ એન્ટી સાયક્લોનના કારણે પવનની દિશા બદલાઈ ગઈ હતી અને ઉત્તર-પૂર્વની થઈ ગઈ હતી. જો કે હવે પવનની દિશામાં પરિવર્તન આવશે.
આગામી 27 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ ગણી શકાય. આ દરમિયાન સૌથી વધુ ઠંડી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પડી શકે છે. આ જિલ્લાઓમાં તાપમાન ગગડીને સિંગલ ડિજિટમાં પહોંચી જશે. એટલે કે આ 3 જિલ્લામાં તાપમાન 7 થી 9 ડિગ્રીની અંદર રહેશે.
જો કે ઠંડીના છેલ્લા રાઉન્ડ પછી પણ શિયાળો સમાપ્ત નહીં થાય. આ વર્ષે શિયાળો લાંબો ચાલવાનો છે. જેથી ફેબ્રુઆરી મહિનામાં પણ સવાર-સાંજ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે.
છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ તાપમાન ઉચકાતા ઘણા લોકોને એવું લાગતું હતું કે, હવે શિયાળો પૂર્ણ થઈ ગરમી શરૂ થઈ ગઈ છે. જો કે હાલ ઉનાળાની શરૂઆત નહીં થાય.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
