તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
સુરત મનપાના નિવૃત ક્લાર્ક બ્રેઈન ડેડ થતાં કિડની અને લિવરનું દાન કરાયું : ત્રણ વ્યક્તિઓને મળશે નવજીવન
અકસ્માતે બાઈક સ્લીપ થતા તેઓ નીચે પટકાતા માથામાં ઇજાઓ થવાથી બેભાન થયેલ :CT સ્કેનમાં બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું જણાયું હતું

સુરત ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન કરાવવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના નિવૃત સીનીયર ક્લાર્ક વિજયકુમાર નરેન્દ્રલાલ ઠક્કર [ઉ.વ. 63] બ્રેઈનડેડ થતા ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમ થી તેમના પરિવારે વિજયકુમારની કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
સુરત મહાનગરપાલિકા માંથી વર્ષ 2020માં સીનીયર ક્લાર્ક તરીકે નિવૃત થયેલા વિજયકુમાર ઠક્કર તેમના પરિવાર સાથે જય જલારામ સોસાયટી વિભાગ 1, શિશુકુંજ સ્કુલની પાસે, જહાંગીરપુરા, સુરત મુકામે રહેતા હતા. તા. 20 જાન્યુઆરીના રોજ વિજયકુમાર, પત્ની ઈલાબેન સાથે ટુ વ્હીલર બાઈક પર સ્મીમેર હોસ્પિટલમાં ઈલાબેન ની દવા લેવા માટે જઈ રહ્યા હતા, ત્યારે લાલ દરવાજા પાસે ઓવરબ્રીજની ઉપર અકસ્માતે બાઈક સ્લીપ થઇ જતા તેઓ બાઈક પરથી નીચે પડી ગયા હતા.
માથામાં ઇજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફત તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજ માં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. દીપેશ કક્કડએ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો.
તા. 20 જાન્યુઆરીનો રોજ રાત્રે 08:00 કલાકે વધુ સારવાર માટે તેમને ન્યુ શેઠ પી.ટી મલ્ટીસ્પેશીયાલીટી (સુરત જનરલ) હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા અને તા. 22 જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડૉ. દીપેશ કક્કડ, ઈન્ટેન્સીવીસ્ટ ડૉ. અંકિત ગજ્જર, ડૉ. કૃણાલ શાહ, મેડીકલ એડમિનિસ્ટ્રેટર અને ફિઝીશિયન ડૉ. મધુકર પરીખે વિજયકુમારને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા
વિજયકુમારના ભાણેજ વિરેશ રંજનભાઈ ઠક્કરે ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી વિજયકુમારના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી, અંગદાનની પ્રક્રિયા સમજાવવા હોસ્પિટલ આવવા જણાવ્યું હતું. ડોનેટ લાઈફ ની ટીમે હોસ્પિટલ પહોંચી વિજયકુમારની પત્ની ઈલાબેન, પુત્ર પાર્થ, ભાણેજ વિરેશભાઈ, ભાણેજ વહુ ભાવનાબેન, વેવાઈ જયેશભાઈ ઠક્કર તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
વિજયકુમારની પત્ની ઈલાબેન, પુત્ર પાર્થ, ભાણેજ વિરેશભાઈ એ જણાવ્યું કે વિજયકુમાર સેવાભાવી તેમજ ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા, ત્યારે મારા પપ્પા હંમેશા કહેતા કે અંગદાન નું કાર્ય ઈશ્વરીય કાર્ય છે, મારા પપ્પા કહેતા હતા કે જો તેઓ બ્રેઈનડેડ થાય તો તેમના અંગોનું દાન જરૂરથી કરાવજો. પપ્પા બ્રેઈનડેડ છે, ત્યારે તેમની ઈચ્છા મુજબ તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને અંગ નિષ્ફતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. વિજયકુમારના પરિવારમાં પત્ની ઈલાબેન ઉ.વ. 56, પુત્ર પાર્થ ઉ.વ. 31 જે વરીયાવમાં A/C અને ફ્રિઝ રીપેરીંગની દુકાન ધરાવે છે અને પુત્રવધુ એકતા ઉ.વ.31 છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર અમદાવાદની એપોલો હોસ્પિટલને અને બંને કિડની અમદાવાદની બે હોસ્પિટલને ફાળવવામાં આવશે. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ડૉ. ચિરાગ દેસાઈ, ડૉ. અંકુર વાગડિયા અને તેમની ટીમ દ્વારા બરોડાના રહેવાસી ઉ.વ. 42 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવી રહ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવશે.
લિવર અને કિડની હવાઈ માર્ગે સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ન્યુ શેઠ પી.ટી મલ્ટીસ્પેશીયાલીટી (સુરત જનરલ) હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગ નો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 130 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1284 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 522 કિડની, 227 લિવર, 55 હૃદય, 52 ફેફસાં, 9 પેન્ક્રીઆસ, 5 હાથ, 1 નાનું આતરડું અને 413 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1181 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
