તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
ગુજરાતના બોલરે ઈતિહાસ રચ્યો:રણજી ટ્રોફીમાં 9 વિકેટ લઈને મચાવ્યો તરખાટ
આર્ય દેસાઈએ રણજી ઈતિહાસમાં ગુજરાત માટે સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્પેલ બોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો:15 ઓવરમાં માત્ર 36 રન આપીને 9 વિકેટ ખેડવી : ઉત્તરાખંડની આખી ટીમ111 રનમાં સમેટાઈ

અમદાવાદ : ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચમાં 21 વર્ષીય બોલરે ઈતિહાસ રચ્યો છે. નામ છે આર્ય દેસાઈ. આર્યએ તેના સ્પિનથી તબાહી મચાવી હતી અને એકલા હાથે ઉત્તરાખંડના 9 બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલ્યા હતા.
આર્યએ રણજી ઈતિહાસમાં ગુજરાત માટે સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્પેલ બોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. 15 ઓવરના સ્પેલમાં, આર્યએ માત્ર 36 રન આપીને 9 વિકેટ લીધી અને ઉત્તરાખંડની આખી ટીમને પ્રથમ દાવમાં માત્ર 111 રનમાં આઉટ કરી દીધી.
ગુજરાત સામે ઉત્તરાખંડના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આ નિર્ણય સંપૂર્ણપણે ટીમ વિરુદ્ધ ગયો. ઉત્તરાખંડના બેટ્સમેનો ક્રીઝ પર આવ્યા અને એક પછી એક પેવેલિયન પરત ગયા. 21 વર્ષીય સ્પિન બોલર આર્ય દેસાઈએ પોતાની સ્પિનનો એવો જાદુ ચલાવ્યો કે ઉત્તરાખંડની આખી ટીમ માત્ર 111 રનમાં જ સમેટાઈ ગઈ. આર્યના સ્પિન બોલ સામે ઉત્તરાખંડના બેટ્સમેનો સંપૂર્ણપણે લાચાર દેખાયા હતા. આર્ય એક અકલ્પનીય કોયડો સાબિત થયો અને તેણે માત્ર 15 ઓવરના સ્પેલમાં 9 વિકેટ ઝડપી. આર્યની ઘાતક બોલિંગ સામે કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. ઉત્તરાખંડના આઠ બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા.
રણજી ટ્રોફીના ઈતિહાસમાં આર્ય દેસાઈએ ગુજરાત માટે સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્પેલ બોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે રાકેશ ધ્રુવના રેકોર્ડને તોડી નાખ્યો છે, જેણે વર્ષ 2012માં 31 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. આ સાથે આર્યએ રણજીમાં ત્રીજો શ્રેષ્ઠ બોલિંગ સ્પેલ બોલ કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે. રણજીમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્પેલ કરવાનો રેકોર્ડ અંશુલ કંબોજના નામે છે, જેણે ગયા વર્ષે કેરળ સામે રમતા 49 રનમાં 10 વિકેટ ઝડપી હતી.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
