તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મળ્યો રાજીપાલનો સંવેદનાભર્યો સ્પર્શ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રેડક્રોસની અમદાવાદ શાખાની મુલાકાત લીધી:રક્તદાન માટેનું પ્રથમ ગીત અને મેસ્કોટ બનાવનાર રેડક્રોસ અમદાવાદ શાખા ભારતમાં રક્તદાનની રાજધાની : રેડક્રોસ શતાબ્દી ભવન શેરદિલ અને કેરદિલની થીમ આધારિત

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રેડક્રોસ અમદાવાદ શાખાની અત્યાધુનિક ઇમારત ‘રેડક્રોસ શતાબ્દી ભવનની સૌજન્ય મુલાકાત લીધી હતી. રાજ્યપાલનું ‘ચીફ પેટ્રોન ઓફ બ્લડ ડોનેશન કેપીટૅલ ઓફ ઇન્ડીયા’ તરીકે અભિવાદન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલએ આ મુલાકાત વેળાએ રેડક્રોસ અમદાવાદની વિવિધ સેવા પ્રવૃત્તિઓ અને સુવિધા પ્રકલ્પોની માહિતી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રેડક્રોસ અમદાવાદ શાખાએ ગત વર્ષે તેના કાર્યકાળના ૧૦૦ વર્ષ પૂરા કર્યા છે. અમદાવાદ ભારતનું બ્લડ ડોનેશન કેપિટલ છે, તેમાં રેડક્રોસ અમદાવાદ શાખાની મહત્વની ભૂમિકા છે.
અમદાવાદ જિલ્લા રેડક્રોસ દ્વારા વર્ષે ૧૨૪૦ જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ ટ્રાન્સફ્યુઝનની સેવા નિયમિત આપવામાં આવે છે, તેની વિગતો રાજ્યપાલએ મેળવી હતી.
રાજ્યપાલશ્રીએ રેડક્રોસમાં બ્લ્ડ ટ્રાન્સફ્યુઝનની સેવા લઇ રહેલા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. બાળકોએ આ તકે રાજ્યપાલશ્રીનો સંવેદનાસભર સ્પર્શ અને ઉજ્જ્વળ કારકીર્દીના નિર્માણ માટેનું માર્ગદર્શન મેળવ્યું હતું . થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓ, માતા-પિતાને પણ રાજ્યપાલ મળ્યા હતા.
દાયકાઓથી રેડક્રોસમાં બ્લડ ટ્રાન્સફયુઝનની સુવિધા મેળવતા બાળકોમાંથી કોઈ ફર્ટિલાઇઝર પ્લાન્ટનો માલિક, કોઈ યુટુબર તો કોઇ જાદુગર બનીને સફળ જીવન વ્યતિત કરી રહ્યા છે, દીર્ઘાયું ભોગવી રહ્યા છે તેની માહિતી પણ રાજ્યપાલશ્રીએ મેળવી હતી.
અમદાવાદ રેડક્રોસ ભવનમાં રક્તદાતાઓને ‘શેરદિલ’ –લાયન હાર્ટ અને રક્તદાતાઓની સંભાળ લેતી પરિચારિકાને ‘કેરદિલ’ - લેડી લાયન તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ સમગ્ર ભવન ‘શેરદિલ’ અને ‘કેરદિલ’ની થીમ આધારિત છે. તેના અનુસંધાનમાં રક્તદાન અંગેનું ગીત અને મેસ્કોટ - ‘શેરદિલ’ તૈયાર કરવામાં રેડક્રોસ અમદાવાદ દેશમાં પ્રથમ છે, તેમ રાજીપાલશ્રીને જણાવવામાં આવ્યું હતું.
રાજ્યપાલએ રેડક્રોસ શતાબ્દી ભવનમાં આવેલી વિવિધ લેબોરેટરીઝ, ઇમર્સિવ આર્ટ એક્સપિરિયન્સ સ્ટુડિયો સહિતના તમામ સુવિધાકક્ષની મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યપાલએ રેડક્રોસ ભવનમાં ઉપસ્થિત રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. સેન્ચુરીયન રક્તદાતા, મહિલા રક્તદાતા, દિવ્યાંગ રક્તદાતા એમ વિવિધ શ્રેણીમાં સામેલ રક્તદાતાઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલની આ મુલાકાત વેળાએ રેડક્રોસ ગુજરાતના અધ્યક્ષ અજયભાઈ પટેલ, અમદાવાદ રેડક્રોસના ચેરમેન મુકેશભાઈ પટેલ, રેડક્રોસના સહુ પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
