<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

રાજ્યમાં છેલ્લા 20 દિવસમાં હ્રદય રોગ સંબંધિત ઈમરજન્સીના 5144 કેસ નોંધાયા :રોજ 257 કેસ

ગત વર્ષે રોજના 215 જેટલા કેસ આવ્યા જે અત્યારે 257 આસપાસ પહોંચી ગયા:108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના આંકડા

અમદાવાદ : ગુજરાતમાં શિયાળાની સિઝનમાં છેલ્લા 20 દિવસમાં હ્રદય રોગ સંબંધિત ઈમરજન્સીના 5,144 કેસ નોંધાયા છે, જે ગત વર્ષ 2024ના પહેલી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરીના સમયમાં 4,305 કેસ હતા. આમ ગત વર્ષની સરખામણીએ શિયાળામાં હૃદય રોગ સંબંધિત ઈમરજન્સીમાં 19.49 ટકાનો વધારો નોંધાયો છે. એકંદરે ગત વર્ષે રોજના 215 જેટલા કેસ આવ્યા હતા, જે અત્યારે 257 આસપાસ પહોંચી ગયા છે. આ આંકડા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના છે.

તબીબોના મતે સામાન્ય રીતે ઠંડીમાં હૃદયને ઓક્સિજન પંપ કરવા બમણી મહેનત કરવી પડે છે, ઠંડીના કારણે ધમનીઓ સંકોચાઈ જાય છે એટલે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. આ સંજોગોમાં શિયાળાની સિઝનમાં હૃદય રોગનો ખતરો વધી જાય છે. તબીબો કહે છે કે, જેમને બીપીની સમસ્યા હોય, પહેલેથી હૃદય રોગની તકલીફ હોય, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઊંચું હોય, દારૂ પીવાની ટેવ હોય, ધુમપાન કરતાં હોય, બહારનું ખાવાની વધુ પડતી આદત હોય તેવા લોકોને હૃદય રોગનો ખતરો વધુ રહેતો હોય છે.

હૃદય રોગના ખતરાથી બચવા માટે સામાન્ય રીતે પાણી પીવાનું વધુ રાખવું જોઈએ, તાજા ફળ, પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ, પહેલેથી જ હૃદય રોગની તકલીફ હોય તેમણે તબીબી સલાહ આધારે કસરત અને ચાલવાની ટેવ રાખવી જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ. સાત કલાકથી ઓછી ઊંઘ હોય તેવા લોકામાં આ બીમારીની સંભાવના રહેલી છે. હાર્ટ ફેલ થવાના આકસ્મિક મોતના કિસ્સામાં પોસ્ટ મોર્ટમ આધારે તારણ મેળવાય એ પણ ખૂબ જરૂરી છે.

ગુજરાતમાં વર્ષ 2021ના અરસામાં વિવિધ બીમારીના કારણે કુલ 7.25 લાખ લોકોનાં મોત નોંધાયા છે, જે પૈકી મેડિકલી સર્ટિફાઈડ થયેલા અથવા નહિ થયેલામાં હાર્ટ ફેલ્યોરના કારણે 93,797 લોકોએ જીવ ગુમાવ્યા છે, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અહેવાલમાં આ બાબત સામે આવી છે. ગુજરાતમાં હાર્ટ ફેલ્યોરના કારણે વર્ષ 2021માં શહેરી વિસ્તારમાં 69,180 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 24,617 લોકોના એમ કુલ 93,797નાં મોત થયા છે.

(7:30 PM IST)