તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
પાટણના સંડેરમાં ૩૦ કરોડના ખર્ચે બનનારા ખોડલધામ મંદિરનું શીલાપૂજન
નરેશભાઇ પટેલ, કિરીટભાઇ પટેલ સહિતનાની ઉપસ્થિતીઃ સમાજના દાતાઓ દ્વારા ૨.૫૦ કરોડથી વધુની દાનની જાહેરાતઃ દાતાઓનું સન્માન

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા.રરઃ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિત સમાજ આગેવાનો દ્વારા ઉત્તર ગુજરાતનાં પ્રથમ અને ગુજરાતમાં દ્રિતીય ખોડલધામ મંદિરનું મંગળવારે ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ૧૦૦૮ યજમાન પરિવારો સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર સમાજ પરિવાર જનોની હાજરીમાં અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ પદે પાટણનાં સંડેર ખાતે રૂ.૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખોડલધામ મંદિર પરિસર માટે ૧૦૦૮ શીલાઓની પૂજન વિધિ કરવામાં આવી હતી.
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કાર્યો માટે રાજ્યભરમાં કુલ ૬ સ્થળે ખોડલધામ સંકુલનું નિર્માણ કરવા માટે નું આયોજન હોવાનું આ પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રનાં કાગવડ બાદ ઉત્તર ગુજરાતમાં પાટણ નાં સંડેર ખાતે ખોડલધામ સંકુલના નિર્માણ માટે મંગળવારે આયોજિત શિલાન્યાસ વિધિ પ્રસંગે ઉપસ્થિત ખોડલધામના ટ્રસ્ટીઓએ વધુમાં જણાવ્યું હતું કે સંકર ખાતે અંદાજીત રૂ.૩૦ કરોડના ખર્ચે આકાર પામનાર ખોડલધામના નિર્માણ કાર્યની શરૂઆતમા ખોડીયાર માતાજીનું મંદિર, ભોજનાલય, પાર્ટી પ્લોટ અને કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે.
સંડેર ખાતે આયોજિત શ્રી ખોડલધામના શીલાપૂજનમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાનાં ૨૫૭ જેટલાં ગામો થી વધુ પાટીદારો આ શીલા પૂજન વિધિમાં જોડાયા હતા. જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શીલા પૂજનના મુખ્ય યજમાન તરીકે સંડેરના ચંદ્રકાંતભાઈ પટેલ રૂ. ૧૧.૧૧ લાખ અર્પણ કરી લાભ લીધો હતો. તો ચાર યજમાનોએ રૂ. ૫.૧૧ લાખ અને ૯૯૯ યજમાનોએ રૂ.૨૧,૦૦૦ અપેણ કરી શિલાન્યાસ વિધિ નો લાભ લઈ કુલ રૂ.૨ કરોડ ૪૧ લાખ ૩૪૦૦૦નું દાન મંદિર માટે અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. તો શિલાન્યાસ પ્રસંગે પાટીદાર સમાજન દાતાઓએ દાનની સરવાણી વહાવતા રૂ.૨.૫૦ કરોડથી વધુ દાનની જાહેરાત કરવામાં આવતા તમામ દાતાઓનું ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિત સમાજ આગેવાનો દ્વારા ખોડીયાર માતાની પ્રતિમા અને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. સંડેર ખાતે આયોજિત શિલાન્યાસના સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંડેર ગામના વતની દૈવત પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
