News of Tuesday, 21st January 2025
અખિલ ભારતીય મુલ્કી સેવાના અધિકારી-કર્મચારીઓ માટે રમત-ગમત, ગીત- સંગીત, નૃત્ય અને નાટકની સ્પર્ધાઓ યોજાશે
ઇચ્છુક લાયકાત ધરાવતા અધિકારી/કર્મચારીએ ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં સામાન્ય વહીવટ વિભાગને અરજી કરવાની રહેશે

રાજકોટ તા.૨૧ : કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવીલ સર્વિસીસ કલ્ચરલ અને સ્પોર્ટસ બોર્ડ, નવી દિલ્હી દ્વારા દર વર્ષે રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વિવિધ રમત-ગમત, ગીત- સંગીત, નૃત્ય અને નાટક માટેની અખિલ ભારતીય મુલ્કી સેવા સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, આ સ્પર્ધાઓમાં લોન ટેનિસ, એથ્લેટિક્સ, ગીત-સંગીત, નૃત્ય અને નાટક સ્પર્ધા, બેડમિન્ટન, પાવર લિફટીંગ, બાસ્કેટબોલ, વેઇટ લિફટીંગ, બેસ્ટ ફિઝિક (પુરૂષ), તરણ, કેરમ, ટેબલ ટેનિસ, ચેસ, વોલીબોલ, ક્રિકેટ (પુરૂષ) કુસ્તી, ફૂટબોલ, ખો-ખો, હોકી, યોગા, કબડ્ડી સહિતની કુલ ૧૮ સ્પર્ધાઓનું દર વર્ષે દેશનાં જુદા જુદા રાજ્યોમાં આયોજન કરવામાં આવે છે.
આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇચ્છુક લાયકાત ધરાવતા અધિકારી/કર્મચારીએ તા. ૩૧-૩-૨૦૨૫ સુધીમાં ઉપસચિવ (કલ્યાણ) અથવા કલ્યાણ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, બ્લોક નં. 7, સચિવાલય, ગાંધીનગર ખાતે અરજી કરવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રમાં દર્શાવામાં આવેલ લાયકાતો ઉપરાંત અખીલ ભારતીય મુલ્કી સેવા સ્પર્ધા, રાષ્ટ્રીય/રાજ્ય/જિલ્લા/તાલુકા કક્ષાની સ્પર્ધા, આંતર યુનિવર્સિટી/કોલેજ/શાળા કક્ષાની સ્પર્ધા કે આંતર વિભાગીય/આંતર જિલ્લા પંચાયત કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કર્યું હોય તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ અંગેની વધુ વિગતો સામાન્ય વહીવટ વિભાગની વેબસાઇટ પરથી મળી રહેશે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
