તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
વડોદરાના મંજુસરમાં કરિયાણાનો સામાન લઇને પરત પોતાના ઘરે જઇ રહેલા બાઇક સવાર યુવકને એક અજાણ્યા વાહને અડફેટે લેતા મોતને ભેટયોઃ દોઢ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
મૂળ મધ્ય પ્રદેશના મઝરામામાદેવા ગામનો 24 વર્ષીય દિપક તેજરામ બનઝારા પરિવાર સાથે સાવલીના મંજુસરમાં રહેતો હતોઃ દિપકના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ

વડોદરાઃ વડોદરાના મંજુસરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. કરિયાણાનો સામાન લઇને પરત પોતાના ઘરે જઇ રહેલા બાઇક સવાર યુવકને એક અજાણ્યા વાહને અડફેટે લીધો હતો. જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ફરાર વાહન ચાલક સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મોતથી દોઢ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્ય પ્રદેશના મઝરામામાદેવા ગામનો 24 વર્ષીય દિપક તેજરામ બનઝારા પરિવાર સાથે સાવલીના મંજુસરમાં રહેતો હતો. દિપક પોતાની બાઇક લઇને કરિયાણાનો સામાન લેવા માટે આસોજ ગામ ગયો હતો. આસોજ ગામથી કરિયાણાનો સામાન ખરીદીને તે મંજુસર ગામે ઘરે પરત ફરી રહ્યો હતો. જે દરમિયાન સેગવાના નાળાની બાજુમાં એક અજાણ્યા વાહને દિપકની બાઇકને ટક્કર મારી હતી.
અજાણ્યા વાહનની ટક્કર લાગતા દિપકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિકો એકઠા થઇ ગયા હતા. ગંભીર હાલતમાં દિપકને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન દિપકનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. દિપકનું અકસ્માત થયો હોવાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પહોચ્યા હતા.
દિપકના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. દિપકને એક દોઢ વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં મજુંસર પોલીસ પહોંચી હતી. મૃતકના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે અને તેને ઝડપવા તપાસ હાથ ધરી છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
