તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Saturday, 18th January 2025
ગુજરાતના ખેડૂતોએ ઓનલાઇન ₹10 હજાર કરોડની કૃષિપેદાશોનું વેચાણ કર્યુ
કેન્દ્ર સરકારની e-NAM પોર્ટલ પર ગુજરાતના 8.69 લાખથી વધુ ખેડૂતો જોડાયા

અમદાવાદ :ગુજરાતમાં ઇ-નામ પોર્ટલ પર 8 લાખથી વધુ ખેડૂતોને જોડવામાં આવ્યા છે. ઇ-નામ પોર્ટલ પર ગુજરાતની 144 મંડીઓને સંકલિત કરવામાં આવી છે. અત્યારસુધીમાં ઇ-નામ પ્લેટફોર્મ મારફતે ગુજરાતમાં 2.64 કરોડ ક્વિન્ટલથી વધુ કૃષિપેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે, જેનું કુલ મૂલ્ય ₹10,535.91 કરોડ છે. આમ, ઇ-નામ પોર્ટલ થકી ગુજરાતમાં ₹10 હજાર કરોડથી પણ વધુ કૃષિપેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે.
ઉના બજાર સમિતિના પરબતભાઈ ગોવિંદભાઈ પટાટ છેલ્લા એક વર્ષથી ઇ-નામ પોર્ટલ પર જોડાયા છે અને મગફળીનું ઓનલાઇન વેચાણ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે સ્થાનિક બજારમાં વેચાણની સરખામણીએ ઓનલાઈન વેચાણથી ઘણો ફરક પડે છે. વેચાણની પ્રક્રિયા વધુ ઝડપી બની છે. અમને ખૂબ જ સારો ભાવ મળી રહ્યો છે. સ્થાનિક બજારની સાપેક્ષે અમને 200થી 500 રૂપિયા વધુ ભાવ મળે છે. જેનાથી અમારી આવકમાં ઘણો વધારો થયો છે. પરબતભાઈ જણાવે છે કે, ઇ-નામ પોર્ટલ મારફતે મગફળીના વેચાણથી તેમની આવકમાં આશરે પાંચથી સાત ટકાનો વધારો નોંધાયો છે.
બજાર સમિતિ ઉપલેટા સાથે જોડાયેલા હરેશભાઈ એમ. ઘોડાસરા છેલ્લાં 5 વર્ષથી ઇ-નામ પોર્ટલ પર કપાસ, મગફળી અને ઘઉં જેવી કૃષિપેદાશોનું વેચાણ કરી રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં 15થી 20% જેટલો વધારો થયો છે. હરેશભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે, ખેતપેદાશોનું ઓનલાઈન વેચાણ કરવાથી અમારા જેવા ખેડૂતોને અનેક ફાયદા થયા છે. સીધા વેપારી સાથે જોડાણ થવાથી અમને કમિશન લાગતું નથી અને પૈસા પણ સીધા ખાતામાં આવી જાય છે. સ્થાનિક બજારની સરખામણીમાં ઓનલાઈન વેચાણ કરીને અમને 15થી 20% જેટલો ફાયદો થાય છે. આજથી 20 વર્ષ પહેલાં મારી પાસે કંઈ ન હતું, પરંતુ આજે ઇ-નામ પોર્ટલના આર્થિક ફાયદાને કારણે અમે હવે માલ ઓનલાઈન જ વેચવાનું પસંદ કરીએ છીએ.”
31 ડિસેમ્બર 2024ના આંકડા મુજબ, રાજ્યમાં કુલ 8,87,420 લોકો આ પ્લેટફૉર્મનો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યા છે, જેમાં 8,69,807 ખેડૂતો, 10,181 વેપારીઓ, 7,170 કમિશન એજન્ટો અને 262 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)નો સમાવેશ થાય છે. e-NAM પ્લેટફૉર્મ પર કૃષિ ક્ષેત્રના 8 લાખથી વધુ ખેડૂતોને ડિજિટલ રીતે જોડીને, ટેક્નોલોજીને અપનાવીને, સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપીને અને ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપીને ગુજરાતે કૃષિ ક્ષેત્રમાં સુશાસનનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ પરિવર્તનકારી પહેલ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવે છે, વિવિધ મંડીઓમાં ખેત પેદાશોના ભાવ વિશે ખેડૂતોને માહિતી પૂરી પાડે છે અને ગ્રામીણ ઉત્પાદકો અને રાષ્ટ્રીય બજારો વચ્ચેના અંતરને દૂર કરીને તેમને સીધો વેપાર કરવા સક્ષમ બનાવે છે. એટલે કે ગુજરાત માત્ર ભારતની ડિજિટલ કૃષિ ક્રાંતિનું નેતૃત્વ નથી કરી રહ્યું, પરંતુ પરિવર્તનકારી કૃષિ નીતિઓમાં અગ્રણી રાજ્ય તરીકે પોતાની સ્થિતિને પણ વધુ મજબૂત બનાવી રહ્યું છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
