<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

કોરોનામાં કાર્તિક પટેલને હોસ્પિટલમાં સારવાર ન મળતા તેણે સર્જી નાખ્યો ખ્યાતિ કૌભાંડ :નવો ચોંકાવનારો ખુલાસો

ખ્યાતિ હોસ્પિટલમાં કૌભાંડ આચર્યા કૌભાંડ બાદ કાર્તિક પટેલ અને તેની ટોળકી મળી નરોડા પાસે એક નવી બિલ્ડિંગમાં નવી હોસ્પિટલ શરૂ કરવા માટેનો કરાર પણ કર્યો હતો

અમદાવાદ/  દિલ ચીરીને દગો કરનાર ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે નોંધાયેલી ફરિયાદ બાદ ફરાર થયેલા મુખ્ય આરોપી કાર્તિક પટેલની ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. ફરિયાદ નોંધાયાના બે મહિના બાદ અચાનક પત્નીની બીમારીના કારણે અમદાવાદ પરત ફરેલા કાર્તિક પટેલને ઝડપી લેવાયો છે. આરોપીની તપાસમાં ખુલાસો થયો છે કે કોરોના કાળમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા ન મળતા પોતાની હોસ્પિટલ બનાવી તેણે સમગ્ર કૌભાંડ કરી નાખ્યું.

સ્વાસ્થ્ય સેવા માટે હોસ્પિટલ શરૂ કરી દર્દીઓના હૃદય ચીરી કરોડોનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી કાર્તિક પટેલને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલકો દ્વારા આચરવામાં આવેલા કૌભાંડમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત 11 નવેમ્બર 2024 ના રોજ નોંધાયેલી ત્રણ ફરિયાદની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા આ કૌભાંડમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી, CEO ચિરાગ રાજપુત, રાહુલ જૈન, માર્કેટિંગ હેડ મિલિન્દ પટેલ, માર્કેટિંગ આસિસ્ટન્ટ પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટ તેમજ ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની અગાઉ ધરપકડ કરી હતી. જે ગુનામા કાર્તિક પટેલની સક્રિય ભૂમિકા સામે આવતા ઓસ્ટ્રેલિયા ગયેલા કાર્તિક પટેલ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. જેના આધારે તે અમદાવાદ એરપોર્ટ પર આવતા જ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

ઝડપાયેલા આરોપી કાર્તિક પટેલની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે તેણે પોતાની કારકિર્દીની શરૂઆત 1985 વર્ષ 1985માં વીડિયો કેસેટ લાઇબ્રેરી બનાવી ભાડે આપવાથી કરી હતી, જે બાદ 1987 માં કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયો અને અલગ અલગ રેસિડેન્સિયલ અને કોમર્શિયલ સ્ક્રીમો બનાવી, ત્યારબાદ તેણે શિક્ષણ ક્ષેત્રે જોડાઈ અલગ અલગ કોલેજ અને સ્કુલોની શરૂઆત કરી. જોકે કોરોનાના સમયે કાર્તિક પટેલને કોરોના થતા હોસ્પિટલમાં દાખલ થવા માટે જગ્યા ન મળતા તેણે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું. જે બાદ વર્ષ 2021 માં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં ભાગીદાર તરીકે જોડાયો હતો. જ્યાં ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરીને આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ અગાઉ ઝડપાયેલા આરોપીઓએ મહત્વના ખુલાસા કર્યા હતા. જેમાં તમામ આર્થિક વ્યવહારો કાર્તિક પટેલની સહીથી જ થતા હોવાનો ખુલાસો થયો હતો, તેમજ ખ્યાતિ હોસ્પિટલના પૂર્વ કર્મચારીઓનાં નિવેદનોમાં કુલ 16 કરોડ રૂપિયા હોસ્પિટલને મળ્યા હતા, સાથે જ પૂર્વ ડોક્ટર અને નર્સોની તપાસમાં હકીકત સામે આવી કે આખા કાંડ પાછળ કાર્તિક પટેલનો મુખ્ય હાથ છે. કુલ 36 જેટલા લોકોએ આ કેસમાં 164 મુજબ નિવેદન આપવા માટેની તૈયારી દર્શાવી છે. જેમાંથી 14 થી વધુ લોકોના નિવેદનો પોલીસે નોંધ્યા છે. જેથી આગામી સમયમાં કાર્તિક પટેલ વિરુદ્ધ પૂરતા પુરાવા એકઠા કરી કાર્યવાહી કરી શકાય.

ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેવાય હેઠળ 3800 થી વધુ દર્દીઓએ સારવાર મેળવી હતી. તે તમામ દર્દીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી, સાથે જ મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોની પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચ કાર્તિક પટેલ પર કાયદાનો ગાળીયો કસે તે પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ પહોંચી ગયો હતો. 18 નવેમ્બર 2024 થી તે દુબઈના કરામા ખાતે રોકાયો હતો. પરંતુ હાઇકોર્ટ સુધી આગોતરા જામીન ન મળતા પત્નીની બીમારીના બહાને અચાનક જ નાટયાત્મક રીતે અમદાવાદ આવી પહોંચ્યો અને ઝડપાઈ ગયો.

ખ્યાતિ હોસ્પિટલમાં કૌભાંડ આચર્યા કૌભાંડ બાદ કાર્તિક પટેલ અને તેની ટોળકી મળી નરોડા પાસે એક નવી બિલ્ડિંગમાં નવી હોસ્પિટલ શરૂ કરવા માટેનો કરાર પણ કર્યો હતો, જોકે નવી હોસ્પિટલ શરૂ થાય તે પહેલા કૌભાંડનો પર્દાફાશ થતા આખી ટોળકી જેલમાં પહોંચી ગઈ છે. ત્યારે આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને આરોપીઓ વિરુદ્ધ તથા તેની સાથે જોડાયેલા આરોગ્ય વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય છે, તે જોવાનું રહ્યું..

(7:13 PM IST)