<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ખંભાત :બુટલેગરને હાજર કરવા અને મિત્રનું નામ નહીં ખોલવા દોઢ લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો

ખંભાત પોલીસ સ્ટેશનનો રાઈટર લાંચના છટકામાં ઝડપાતા આણંદ જિલ્લામાં ચકચાર મચી

ખંભાત :પોલીસ કોન્સ્ટેબલો પણ ચણા મમરાની માફક લાખોમાં લાંચની માંગણી કરતા અને સ્વીકારતા થઈ ગયા છે.જેના કારણે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદો પણ વધી રહી છે અને અનેક લાંચિયા કર્મચારી અને અધિકારીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

દારૂના ગુનામાં બુટલેગરને હાજર કરવા અને તેના મિત્રનું ગુનામાં નામ નહીં ખોલવા માટે ખંભાત તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલે બે લાખની લાંચની માંગણી કરી હતી. પોસઈના રાઈટર તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રોશન જગદીશભાઈ વણકરે રકઝકના અંતે 1.20 લાખ સ્વીકારવાનું નક્કી કર્યું હતું. પરંતુ રકમ નક્કી થયા બાદ તેમાં 30 હજારનો વધારો કરી દોઢ લાખ નક્કી કરાયા હતા.

જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતાના હોવાથી ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી હતી જેને લઈ આણંદ લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ફરિયાદ લઈ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર એમ એલ રાજપુત દ્વારા ગોઠવાયેલા છટકામાં કલોદરા ત્રણ રસ્તા નજીક જાહેર રોડ ઉપર ફરિયાદી પોતાની ગાડી લઈ પહોંચતા કોન્સ્ટેબલ રોશનકુમાર વણકર દોઢ લાખ લેવા માટે આવી પહોંચ્યો હતો અને લાંચની રકમ સ્વીકારતા જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ખંભાત પોલીસ સ્ટેશનનો રાઈટર લાંચના છટકામાં ઝડપાતા આણંદ જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી

(12:51 AM IST)