<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

કઠલાલ પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ચાર લોકોના કમકમાટીભર્યા મોત:એક ગંભીર

હાઈવે પર નિલગાય આડી આવતા ચાલકે કાબુ ગુમાવ્યો અને કાર રોડની ડિવાઈડર પર ચઢી ગઈ અને લાઈટના લોખંડના પોલ સાથે અથડાઈ:અકસ્માતમાં કારનો આગળના ભાગનો ભુક્કો થઇ ગયો તમામ મૃતકો મહિસાગર જિલ્લાના બારૈયાના મુવાડાના રહેવાસી

મોડી રાત્રે કઠલાલ પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો ગાડીમાં સવાર પાંચ લોકોમાંથી ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. હાઈવે પર નિલગાય આડી આવતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડની ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને લાઈટના લોખંડના પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો આગળના ભાગનો ભુક્કો થઇ ગયો છે. આ સમગ્ર મામલે કઠલાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

 

આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને 4 લોકોના મૃતદેહોને બહાર કાઢવામા આવ્યા હતા. કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

કઠલાલ પીઆઈએ જણાવ્યું કે, ઈજાગ્રસ્ત ફરિયાદી સંજય પુજસિંહ ઠાકોરની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવમાં કુલ ચાર લોકોના મોત થયા છે. તમામ મૃતકો મહિસાગર જિલ્લાના બારૈયાના મુવાડાના રહેવાસી હતા.

મૃતકોની યાદી

  • વિનોદ ગબાભાઈ સોલંકી
  • પુજા અરજનભાઈ સોલંકી
  • સંજય જશવંતભાઈ ઠાકોર
  • રાજેશ સાલમસિંહ ઠાકોર

(12:07 PM IST)