તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
કતારગામ ઓવરબ્રિજ પરથી એક્ટિવા સવાર બે યુવકો 50 ફુટ નીચે પટકાયા :એકનું ઘટના સ્થળે મોત ચાલકને ગંભીર ઇજા
ચાલકે એક્ટિવા પરથી અચાનક કાબૂ ગુમાવતાં ડિવાઈડર સાથે અથડાયું હતું અને એક્ટિવા સહિત બંને યુવક 50 ફૂટ નીચે પટકાયા

સુરતના કતારગામમાં ઓવરબ્રિજ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા બે યુવકને ગંભીર અકસ્માત નડ્યો હતો. ચાલકે એક્ટિવા પરથી અચાનક કાબૂ ગુમાવતાં ડિવાઈડર સાથે અથડાયું હતું અને એક્ટિવા સહિત બંને યુવક 50 ફૂટ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં એક્ટિવાની પાછળ બેઠેલા યુવક સાજિદ હુસૈન સૈયદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ચાલક યુસુફ ઇમરાન શાહની હાલત ગંભીર છે. આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે.
સુરતના કતારગામ દરવાજા વિસ્તારમાં ઓવરબ્રિજ પરથી એક્ટિવા પર બે યુવક પસાર થઈ રહ્યા હતા. એક્ટિવા ચાલક ઓવરબ્રિજ પર ફુલસ્પીડમાં એક્ટિવા ચલાવી રહ્યો હતો ત્યારે એકાએક ચાલકે એક્ટિવા પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ધડામ દઈને ડિવાઈડર સાથે અથડાયા હતા. જે બાદ સીધા જ 50 ફૂટ નીચે ઓવરબ્રિજ પર પટકાયા હતા.
આ એક્ટિવા સાથે ચાલક અને તેની પાછળ બેઠેલો યુવક પણ ઓવરબ્રિજ નીચે પટકાયા હતા. આ બંને યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે એક્ટિવા પાછળ બેઠેલો સાજિદ હુસૈન સૈયદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચાલક યુસુફ ઇમરાન શાહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની પણ સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
કતારગામ પોલીસે હાલ આ ઘટના અંગે માહિતી મેળવીને આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મૃતક કતારગામ વિસ્તારના સાબરીનગરમાં રહેતો હતો અને મૂળ બિહારનો વતની છે. તેના બનેવી સુરતમાં રહેતા હોવાથી અહીં આવ્યો હતો. વતનમાં કામ ન હોવાને કારણે રોજગારી મેળવવા માટે 7 દિવસ પહેલાં જ સુરત આવ્યો હતો. ઇજાગ્રસ્ત ભાઠેના વિસ્તારનો રહેવાસી છે. રાત્રે વેડરોડથી ભાઠેના વિસ્તાર તરફ આવી રહ્યા હતા, એ દરમિયાન આ ઘટના બની હતી.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
