News of Wednesday, 15th January 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતના દરિયાઈ સીમા ક્ષેત્રના જિલ્લાઓના અંતરિયાળ ગામોની મુલાકાતે
પાંચ દિવસમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પાંચ અંતરિયાળ ગામોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સીધો સંવાદ અને ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કર્યો

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતના દરિયાઈ સીમા ક્ષેત્રના જિલ્લાઓના અંતરિયાળ ગામોની મુલાકાતે છે. આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં તેઓ લોકોને મળી રહ્યા છે અને ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરી રહ્યા છે. આચાર્ય દેવવ્રતજીએ પાંચ દિવસોમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પાંચ અંતરિયાળ ગામોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો છે.
ગુજરાતના સરહદી ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને મળતા રહેવા પ્રધાનમંત્ર નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં અનુરોધ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નિયમિત રીતે ગુજરાતના આંતરરાષ્ટ્રીય સીમા ક્ષેત્રના વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. આ અગાઉ તેમણે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સીમા ક્ષેત્રના ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લીધી હતી. અત્યારે તેઓ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના દરિયાઈ સીમા ક્ષેત્રના જિલ્લાઓની સાત દિવસની મુલાકાતે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મિઠોઈ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધંધૂસર, દ્વારકા તાલુકાના ધિણકી, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ, જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામમાં અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામમાં સ્થાનિક ગ્રામજનોને મળીને સંવાદ કર્યો હતો. આ તમામ ગામોમાં તેમણે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરીને તેમને પ્રાકૃતિક ખેતીની વિગતવાર સમજણ આપી હતી. પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન અને પ્રેરણા આપી હતી. આ તમામ સ્થળોએ તેમણે ખેડૂતો, ગ્રામજનો અને આગેવાનો પાસેથી ગુરુદક્ષિણામાં પ્રાકૃતિક ખેતી કરવાનું વચન માગ્યું હતું.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્યો તથા આગેવાનોને પણ મળી રહ્યા છે અને તમામ જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતીની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
