<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

અમદાવાદ : ટૂર ઓપરેટરો દ્વારા પ્રયાગરાજ માટે ૧૨થી ૫૦ હજાર સુધીના પેકેજની જાહેરાત

અમદાવાદથી ૧૨-૧૫ દિવસના બસ પ્રવાસના પણ આયોજનો : તમામ ટ્રાવેલ્‍સ એપ-વેબસાઇટ પર મહાકુંભ માટેના બુકિંગ શરૂ : પ્રયાગરાજ એરપોર્ટ-રેલવે સ્‍ટેશનથી કુંભ સ્‍થાન સહિત ૩-૫ દિવસના રોકાણ માટેના પેકેજ ૧૨ હજારથી લઇને વ્‍યક્‍તિદીઠ ૪૦ હજારના પેકેજની જાહેરાત

અમદાવાદ, તા.૧૩: પ્રયાગરાજમાં આસ્‍થાના મહાસાગર સમાન મહાકુંભનો પ્રારંભ થઇ રહયો છે. એક મહિનો ચાલનારા આ મહાકુંભમાં ગંગા સ્‍થાન કરી નિર્મળ થવા દેશ અને દુનિયાભરમાંથી ૪૦ કરોડ લોકો ઉમટી પડે તેવી સંભાવના છે. લોકોની આસ્‍થા અને કુંભસ્‍નાન માટેની ઉત્‍કંઠાને લઇને દેશભરમાથી કુંભ માટેની ખાસ કનેક્‍ટિવિટી શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદથી પણ ટ્રેન ઉપરાંત સીધી ફ્‌લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. દેશભરમાંથી કુંભ સ્‍થાન સાથેના પેકેજીસ લોંચ કરવામાં આવ્‍યા છે. અમદાવાદથી પણ મોટા ટૂર ઓપરેટરો દ્વારા કુંભ માટેના ખાસ આયોજનો કરાયા છે. જેમાં પ્રયાગરાજ એરપોર્ટ-રેલવે સ્‍ટેશનથી કુંભ સ્‍થાન સહિત ૩-૫ દિવસના રોકાણ માટેના પેકેજ ૧૨ હજારથી લઇને વ્‍યક્‍તિદીઠ ૪૦ હજારના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. મોટા પાયે બુકિંગ પણ થઇ રહ્‍યું હોવાનું ટૂર ઓપરેટરો જણાવી રહ્‍યા છે. આટલા મોટા આયોજનમાં કેવી રીતે જોડાવું તેની દ્વિધા હોવાથી લોકો પેકેજ પર ભાર આપી રહ્‍યા છે.       

કુંભસ્‍નાન માટે દુનિયાભરમાંથી લોકો આવી રહયા છે. આ માટે દિલ્‍હી અને વારાણસી-પ્રયાગ એરપોર્ટ પર ધસારો છે. તેમ છતાં વિદેશમાં રહેતા ઘણા ગુજરાતીઓ પણ પરિવાર કે ગ્રૂપ સાથે કુંભ સ્‍નાન માટે સીધા અમદાવાદ આવી રહ્‍યા છે. તેને પગલે એરપોર્ટ પર ઇન્‍ટરનેશનલ પેસેન્‍જરની સંખ્‍યા વધી શકે છે. આ ઉપરાંત અમદાવાદથી કુંભ માટેની સીધી ફ્‌લાઇટ શરૂ કરવામાં આવી છે. આ ધસારા માટે પણ એરપોર્ટ પર વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી છે.તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.

હવે કોઇ પણ મુસાફરી કરતાં પહેલા લોકો જુદી જુદી વેબસાઇટ કે એપ પર ભાડા સહિતની વિગતો ચેક કરતા હોય છે. ત્‍યાર બાદ બુકિંગ કરાવતા હોય છે. કુંભને લઇને દેશભરના લોકોમાં ભારે ઉત્તેજના છે ત્‍યારે ટ્રાવેલ્‍સ ગાઇડ કરતી તમામ એપ્‍લિકેશન અને વેબાસાઇટ પર કુંભના બુકિંગ અને બેસ્‍ટ પ્રાઇઝ માટેની ઓફરો શરૂ થઇ ગઇ છે. દેશ અને દુનિયાભરમાંથી તેના માટેનું ધૂમ બુકિંગ શરૂ થઇ ગયું છે.

પ્રયાગ મહાકુંભની સાથે સમગ્ર રૂટ પરના ધાર્મિક સ્‍થળોની મુલાકાત થઇ જાય તેવી વ્‍યવસ્‍થા અમદાવાદના ટૂર ઓપરેટો દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં પ્રયાગ મહાકુંભ સ્‍નાનની સાથે ઉજ્જૈન, ચિત્રકૂટ, પ્રયાગરાજ, અયોધ્‍યા, વારાણસી, ગોકુળ, મથુરા, વળંદાવન, આગરા, જયપુર અને નાથદ્વારા દર્શનનો સમાવેશ કરવામાં આવી રહયો છે. અમદાવાદથી ઉપડતી બસ ૧૨-૧૫ દિવસની કુંભસ્‍નાન યાત્રા પૂરી કરી અમદાવાદ પરત ફરશે.

મહાકુંભ માટે લોકો પ્રાયાગરાજ જઇ રહ્‍યા છે ત્‍યારે નજીકમાં જ વારાણસી હોવાથી વારાસણીમાં પણ મુસાફરોનો ભારે ધસારો રહેવાની સંભાવના છે. આ ઉપરાંત પ્રવાસીઓ અયોધ્‍યા રામ મંદિરની પણ મુલાકાત લેવાના હોવાથી અયોધ્‍યામાં પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મહાકુંભમાં જુદા જુદા પંથના સાધુ સંતોને પણ તંત્ર દ્વારા ખાસ જગ્‍યાઓ ફાળવીને ત્‍યાં તેમના પંડાલ શરૂ કરાવ્‍યા છે. જેમાં સંખ્‍યાબંધ સાધુ સંતોની રહેવાની જમવાની વ્‍યવસ્‍થા કરાઇ છે. પૂરતી વ્‍યવસ્‍થા હોવાથી સંતો મહંતો અને આચાર્યો  દ્વારા તેમના ભક્‍તોને પણ કુંભ સ્‍થાન માટે ખાસ આમંત્રણ આપવામાં આવી રહયા છે.(૨૩.૭)

(9:46 AM IST)