<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નેતૃત્વમાં નેહરુ યુવા કેન્દ્રના યુવા આદાન-પ્રદાન અને 'વતન કો જાનો' અંતર્ગત યોજાયેલો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત દ્વારા તા.૬થી ૧૧ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન સુરતમાં કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે નેહરૂ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા તા.૧૦મી જાન્યુઆરીને શુક્રવારના રોજ આ કાશ્મીરી યુવા ડેલીગેસન માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી સહિત નર્મદા જિલ્લાનો એક દિવસીય પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો.

   કાશ્મીરથી આ ટૂરમાં સામેલ થયેલા ૬ જિલ્લાના ૧૨૦ યુવક - યુવતીઓ અને ૧૨ ટીમ લિડર મળી કુલ ૧૩૨ યુવા ડેલીગેશન સુરત ખાતેથી નર્મદા જિલ્લાના સહકાર ભવન- એકતાનગર ખાતે આવી પહોંચતા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો.
આ વેળાએ ટુરમાં સામેલ કાશ્મીરી યુવક - યુવતીઓએ ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રત્યક્ષ નિહાળેલા વિકાસની ભારોભાર પ્રશંસા કરી શાંતિ અને સુરક્ષાની થયેલી અનુભૂતિને ભારોભાર વખાણી હતી. સંગોષ્ઠી બાદ આ ડેલીગેશન જંગલ સફારી પાર્ક અને સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે પહોચ્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળી કાશ્મીરી યુવક યુવતીઓનું ડેલિગેશન અભિભૂત થયું હતું અને સ્ટેચ્યુ ઑફ યુનિટીના નિર્માણના ઇજનેરી કૌશલ્યને બિરદાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, માય ભારત-સુરત તેમજ નેહરુ યુવા કેન્દ્ર-સુરત (યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય) દ્વારા આયોજિત કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન શ્રી બદ્રીનારાયણ મંદિર, અડાજણ, સુરત ખાતે તારીખ ૦૬ થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન આયોજન કરાયું છે.
એકતાનગર ખાતે યોજાયેલા સંગોષ્ઠી કાર્યક્રમમાં નાંદોદના પ્રાંત અધિકારી ડૉ. કિશનદાન ગઢવી, જિલ્લાના અગ્રણી વિક્રમભાઈ તડવી, મહિલા અગ્રણી જયશ્રીબેન ધામેલ, નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા વિકાસ અધિકારી સચિન શર્મા, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપ દેસાઈ સહિત પદાધિકારીઓ અને નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યાં હતા.

(10:27 PM IST)