તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
ખ્યાતિકાંડ :ખોટા આયુષ્માન કાર્ડ કેસમાં હોસ્પિટલના ડિરેક્ટર ચિરાગ રાજપૂતના 5 દિવસના રિમાન્ડ મંજૂર
આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલના કેટલાક ક્લેઈમ મંજૂર થયા? તેની વિગતો મેળવવાની બાકી: કોર્ટમાં દલીલ

અમદાવાદ : ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી હતી. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર મેળવવા આવતા દર્દીઓના ઑપરેશન કરવા માટે ખોટી રીતે આયુષ્માન કાર્ડ તૈયાર કરવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યું હતુ. આ મામલે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર ચિરાગ રાજપૂતને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવતા, તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આજે મેટ્રો કોર્ટમાં સરકારી વકીલે પોતાની દલીલમાં રજૂઆત કરી હતી કે, આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલના કેટલાક ક્લેઈમ મંજૂર થયા? તેની વિગતો મેળવવાની બાકી છે. આ ઉપરાંત આ કૌભાંડમાં અન્ય કઈ-કઈ હોસ્પિટલ સંકળાયેલી છે, તેની પૂછપરછ માટે આરોપીના રિમાન્ડ જરૂરી છે.
બીજી તરફ બચાવ પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, આરોપીની પૂછપરછ થઈ ચૂકી છે અને તેનું નિવેદન પણ નોંધાઈ ચૂક્યું હોવાથી રિમાન્ડ ના આપવા જોઈએ. આ કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે, જેની ધરપકડ કરીને પૂછપરછ કરવાની જગ્યાએ ચિરાગ રાજપૂતના રિમાન્ડ માટે અરજી કરવામાં આવી છે. જો કે કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળીને ચિરાગ રાજપૂતના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આથી આગામી 16 જાન્યુઆરી સુધી ચિરાગ રાજપૂત રીમાન્ડ પર રહેશે.
નિર્દોષ દર્દીઓના ખોટી રીતે ઑપરેશન કરીને મોત નીપજાવવા મામલે ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી હતી. જેમાં જાણવા મળ્યું કે, ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ પૈકી અનેક પાસે આયુષ્માન કાર્ડ પણ નહતુ. જો કે ઑપરેશન કરવાનું હોવાથી 15 મિનિટમાં જ દર્દીને આયુષ્માન કાર્ડ તૈયાર કરી આપવામાં આવતું હતુ. જેમાં ચિરાગ રાજપૂત સહિત 8 લોકોની સંડોવણી સામે આવી હતી.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
