<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

હાઇકોર્ટના નિર્દેશ બાદ વડોદરા પોલીસ એક્શનમાં :કાંચ પાવડરથી રંગેલી દોરીના ખરીદ-વેચાણ સામે કડક કાર્યવાહી

અકોટા, ગોત્રી, નવાપુરા, વાડી, રાવપુરા પોલીસે દોરી રંગવા માટે કાંચ પાવડરનો ઉપયોગ કરતા વેપારીઓની ધરપકડ કરી

વડોદરા :ઉતરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ વડોદરા શહેર પોલીસ તંત્ર એક્શનમાં આપ્યું છે. કાચ પાઉડર દ્વારા રંગાયેલી દોરીના ઉત્પાદન ખરીદ વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અકોટા, ગોત્રી, નવાપુરા, વાડી, રાવપુરા પોલીસે દોરી રંગવા માટે કાંચ પાવડર નો ઉપયોગ કરતા વેપારીઓની ધરપકડ કરી છે.

ઉતરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે ચાઈનીઝ દોરીના કેસમાં સુનાવણી દરમિયાન જણાવ્યું છે કે, રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરી જ નહીં પરંતુ કાચ થી મંજાતો દોરો જેની પર પણ પ્રતિબંધ છે. ત્યારે આ મામલે હાઇકોર્ટે તંત્રને કડક શબ્દોમાં કહ્યું છે કે, આ મામલે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ વડોદરા શહેર પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

વડોદરા શહેરની વાડી પોલીસ મથકની ટીમ ચોખંડી ખાતે ચંપા ગલીની સામે આવેલ નીલકમલ રંગોલી સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પતંગ ચગાવવા માટેની દોરી બાંધવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રતિબંધિત કાચનું વેચાણ કરતા મળી આવ્યા હતા. જાહેરનામાનો ભંગ બદલ વાડી પોલીસે માંજલપુરના શિવવાટિકા સોસાયટી ખાતે રહેતા મિતુલ રંગવાલાની ધરપકડ કરી હતી તેમજ પ્રતિબંધિત પતંગની દોરીમાં જવા ઉપયોગમાં લેવાતો 35 કિલો કાચનો પાવડર કબજે કરી તેના વિરોધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ગોત્રી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન નિલામ્બર સર્કલ પાસે શ્રીનાથજી પતંગ બજાર ખાતે એક ઈસમ જાહેરમાં દોરી માંજવાનું કામકાજ કરતો હોય ત્યાં પોલીસે પહોંચી તપાસતા દોરી માંજવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ માંજામાં આ ઈસમે પ્રતિબંધિત કાચનો ઉપયોગ કર્યો હતો અને તેની પાસે પ્રતિબંધિત કાચનો પાવડર પણ મળી આવ્યો હતો. જેથી પોલીસ મથકની ટીમે વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ ઉપર આવેલ રાજધાની સોસાયટીમાં રહેતા અનિલ શાહની ધરપકડ કરી 40 કિલો કાચનો પાવડર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાવપુરા પોલીસ મથકની ટીમે કીર્તિસ્તંભ નેહરુ ભુવન સામે ફૂટપાથ ઉપરથી એક ઈસમ જાહેરમાં દોરી માંજવાનું કામકાજ કરતો હોય ત્યાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન દોરી માંજવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ માંજામાં પ્રતિબંધિત કાચનો ઉપયોગ કરેલ હોવાનું જણાય આવ્યું હતું. સાથે જ તેની પાસેથી પ્રતિબંધિત કાચનો પાવડર પણ મળી આવ્યો હતો. જેથી જાહેરનામાના ભંગ બદલ રાવપુરા પોલીસે પીરામીતાર મહોલ્લામાં રહેતા અયુબ ખાન યુસુફ ખાન પઠાણની ધરપકડ કરી હતી. જ્યારે આઠ કિલો કાચનો પાવડર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમે જયરત્ન ચાર રસ્તાથી માર્કેટ તરફ જતા સિદ્ધનાથ તળાવ રોડ ઉપર પેન્ટર તાનાજીની ગલી સામે આવતા ફૂટપાટ ઉપર કાલુભાઈ રીલ સેન્ટર ખાતે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન દોરી માંજવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ માંજામાં પ્રતિબંધિત કાચનો ઉપયોગ કર્યો હતો. તેમજ તેની પાસેથી પ્રતિબંધિત કાચનો પાવડર પણ મળી આવ્યો હતો. જેથી નવાપુરા પોલીસ મથકની ટીમ જયેશ ગાડેની ધરપકડ કરી છે અને તેની પાસેથી કાચનો પાવડર કબજે કર્યો હતો.

અકોટા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતીને આધારે અકોટા ગણપતિ મંદિરની સામે નવીચાલ ખાતે ફૂટપાથ ઉપરથી એક ઈસમ જાહેરમાં દોરી માંજવાનું કામકાજ કરી રહ્યો હોય જેની તપાસ કરતા તેણે પણ દોરી માંજવા માટે ઉપયોગમાં લીધેલ માજામાં પ્રતિબંધિત કાચના પાવડરનો ઉપયોગ કર્યો હતો. સાથે જ તેની પાસેથી પણ પ્રતિબંધિત કાચનો પાવડર મળી આવ્યો હતો. જેથી અકોટા પોલીસે વેપારી રવિન્દ્રસિંહની ધરપકડ કરી છે. જ્યારે તેની પાસેથી બે કિલો કાચનો પાવડર કબજે કર્યો હતો.

આમ, વડોદરા શહેર પોલીસે ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ અનુસાર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ત્વરિત ચેકિંગ હાથધરી જાહેર નામાનો ભંગ બદલ વેપારીઓની ધરપકડ કરી કાચનો પાવડર કબજે કરવા સાથે કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ શહેર પોલીસ વિભાગના જુદા-જુદા પોલીસ મથકો દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને પગલે અન્ય વેપારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

(11:38 AM IST)