News of Friday, 10th January 2025
ટાઉન પોલીસ દ્વારા રાજપીપળાની કોમર્સ કોલેજમાં મહિલા જાગૃતતા કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને રાજપીપળા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા મહિલા સુરક્ષા અંગેની જાગૃતિનો કાર્યક્રમ યોજાઈ ગયો. કોલેજના આચાર્ય ડો હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રાજપીપળાના ટાઉન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.એ.આર ઠુમ્મર, પોલીસ કોન્સ્ટેબલ સંગીતાબેન સોલંકી અને પોલીસ કોન્સ્ટેબલ હેતલબેન લાટવા ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના વિદ્યાર્થીઓ અને તેમાંય ખાસ કરીને બહેનોને સંબોધતા પી.એસ.આઇ.એ આર ઠુમ્મરે જણાવ્યું હતું કે મહિલા સુરક્ષા ની જાગૃતિના અભાવે ક્યારેક પોકસોના કેસ સામે આવી રહ્યા હોય છે. હાલમાં જ ઝઘડિયામા થયેલા બળાત્કારના કેસનું ઉદાહરણ આપીને કોલેજની વિદ્યાર્થી બહેનોને જણાવ્યું હતું કે જો કોઈ તમારી છેડછાડ કરે અથવા તમને રોકીને અભદ્ર માંગણી કરે તો શરૂઆતથી જ તેને ડામી દેવા જોઈએ. તેઓએ વિદ્યાર્થીઓને સલાહ આપતા જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બને તો વિદ્યાર્થીનીઓએ માત્ર એક કોરા કાગળ ઉપર વિગત લખીને પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે. જેમાં વિદ્યાર્થીઓના નામ અંગે તેમના વાલીઓ અંગે ગુપ્તતા રાખવામાં આવે છે અને પોલીસ કાર્યવાહી કરેછે. આમ ગુનો થતા અટકાવી શકાય છે. પરંતુ જો તેને અટકાવવામાં ના આવે તો ક્યારેક ગંભીર પરિણામ પણ આવી શકે છે. આ સાથે સાથે ઠુમ્મર સાહેબે જણાવ્યું હતું કે આજે દરેક જગ્યાએ મહિલાની સુરક્ષાની જરૂર છે અને આ કામ આ વિદ્યાર્થીઓ કે જે જાગૃત નાગરિક છે તે કરી શકે છે. તેઓ પોતાના ઘરે ગામે અને પોતાના વિસ્તારમાં જઈને લોકોમાં જાગૃતિ લાવી શકે તેમ છે. આથી આ વિદ્યાર્થીઓ એક બ્રિજનું કામ કરી શકે તેમ છે.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો હિતેશ ગાંધીએ જણાવ્યું હતું કે નારી સુરક્ષાની સાચી જવાબદારી પુરુષો પર છે. જો પુરુષ જાગૃત થશે. સભાન થશે અને છેડતી બળજબરી જેવા દુરાચાર કરતા અટકશે તો મહિલાની સુરક્ષા ચોક્કસ બની રહેશે. આમ રાજપીપળા ની કોમર્સ કોલેજમાં રાજપીપળા ના ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા યોજાયેલ મહિલા જાગૃતતા કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
