તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
અમદાવાદમાં દારૂના નશામાં અકસ્માત સર્જનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો:કારમાંથી એક પિસ્તોલ પણ મળી
પૂછપરછમાં યુવક આર્કિટેક છે અને સાંતેજ બાજુ ગયો હતો અને ત્યાંથી દારૂ પીને પોતાના ઘરે પરત જઈ રહ્યો હોવાનું ખુલ્યું

અમદાવાદના સાયન્સ સિટી રોડ પરથી દારૂના નશામાં અકસ્માત સર્જનાર યુવક ઝડપાયો છે. 7 જાન્યુઆરીના રાતના 10:00 વાગે આસપાસ ટ્રાફિક પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો, જેમાં સાયન્સ સીટી રોડ પર એક કાર ચાલકે અન્ય કારચાલકની ટક્કર મારીને અકસ્માત કર્યો હોય જેથી ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ટ્રાફિક પોલીસે તપાસ કરતા અકસ્માત સર્જનાર કારચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું.
ટ્રાફિક પોલીસે આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતાં કાર ચાલકનું નામ પ્રદીપ ગજ્જર હોવાનું અને તે અમદાવાદના સોલા ગામમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. સોલા હાઈકોર્ટ પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી એક પિસ્તોલ અને ખાલી મેગેઝીન મળી આવી હતી. જે રાખવા અંગે તેની પાસે કોઈ લાયસન્સ ન હોવાનું ધ્યાને આવ્યું હતું.
બાબતે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે પણ તેની સામે ગુનો દાખલ કર્યો છે. ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે તે પોતે આર્કિટેક છે અને સાંતેજ બાજુ ગયો હતો અને ત્યાંથી દારૂ પીને પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો.
તેની પાસેનું હથિયાર તે એક મિત્ર પાસેથી રોંફ જમાવવા માટે લાવીને જોડે રાખીને ફરતો હતો. સમગ્ર મામલે સોલા પોલીસે આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી હથિયાર આપનાર વ્યક્તિને પકડવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ આ આરોપીએ આ હથિયારનો કોઈ જગ્યાઓ ઉપયોગ કર્યો છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
