તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
અમદાવાદ મનપાની સહાયક ટેક્નીકલ સુપરવાઈઝરની ભરતીમાં ગોટાળા મામલે વધુ 3 આરોપીઓની ધરપકડ
ભરતીમાં પૈસા આપીને નોકરી મેળવનાર બે ઉમેદવાર સહિત 3 લોકોની ધરપકડ:આ ભરતીમાં ગોટાળો કરનાર મુખ્ય આરોપી પુલકિતની ધરપકડ થઈ ચૂકી છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયામાં થયેલા ગોટાળા મામલે કારંજ પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ થયા બાદ કેટલાક મહત્વના અને મોટા ખુલાસા થયા છે.
આ કૌભાંડના મુખ્ય આરોપી પુલકીત સથવારાએ અન્ય મિત્રો સાથે ભાગીદારીમાં નળસરોવરમાં ફીશીંગનો ધંધો શરૂ કર્યો હતો. આ ધંધો શરૂ કરવા માટે પોતાના મિત્રો અને પરિજનો પાસેથી રૂપિયા 95 લાખની રકમ ઉછીની લીધી હતી. જોકે આ ધંધામાં અપેક્ષા મુજબ સફળતા ન મળવાના કારણે તેને ગુમાવેલ રકમ સરભર કરવા માટે ફિરાકમાં હતો. આ દરમિયાન જ કોર્પોરેશનની ભરતી પ્રક્રિયામાં ગરબડ કરવાનું વિચારી પૈસા પડાવવાનો પ્લાન કર્યો હતો.
પુલકીતે કુલ ચાર લોકો પાસેથી રૂપિયા 17 લાખની રકમ માર્ક સુધારવા માટે વસુલવાનું નક્કી કર્યું હતું. જેમાંથી 10 લાખ રૂપિયા લઈ પણ લીધા હતા. જે 10 લાખમાંથી અમુક રકમ દિકરાની સારવાર માટે ખર્ચ કર્યા હતા. આરોપી પુલકિતે જે લોકો પાસે પૈસા લીધા હતા, તે પૈકી મૃગેશ અને તમન્ના બંને ભાઈ બહેન છે. તમન્ના અને મૃગેશના પિતા દિનેશ પટેલ પાસેથી રૂપિયા 7 લાખ લેવાનો હતો.
બીજી તરફ મોનલ લીમ્બાચીયા નામની ઉમેદવાર કે, જેના સસરા અગાઉ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા હતા. જેથી પુલકીત મોરલના સસરા પ્રકાશ સાથે સંપર્કમાં હતો. તેની પાસેથી પણ માર્ક સુધારવા માટે પૈસા લીધા. જ્યારે અન્ય એક આરોપી જય, જેની માતા અને પુલકિતની પત્ની બંને મિત્ર હતા. અવારનવાર જયની માતા પુલકિતની પત્ની સાથે પોતાના દીકરાને સરકારી નોકરી મળી જાય તે માટેની વાત કરતી હતી. જેથી તેનો લાભ લઈને પુલકિતે પોતાની પત્ની મારફતે જયના પરિવારજનોનો સંપર્ક કરી માર્ક સુધારવા માટે પૈસા પડાવ્યા હતાં.
આ મામલે કારંજ પોલીસે નોકરી મેળવનાર મહિલા ઉમેદવાર મોનલ લિંબાચિયા, ઉમેદવાર જય પટેલ અને જયના પિતા અશોકભાઈ પટેલની ધરપકડ કરી છે. અગાઉ આ બાબતે મુખ્ય આરોપી પુલકિતની ધરપકડ થઈ ચૂકી છે. અત્યાર સુધી કુલ ચાર લોકોની ધરપકડ થયા બાદ મોનલ અને તેના સસરાની ધરપકડ બાકી છે.
પોલીસે કરેલી અત્યાર સુધીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુખ્ય આરોપી પુલકીત પરિચયમાં હોય એવા જ લોકોને નોકરી માટે પૈસા પડાવી કૌભાંડ આચરવાનું કામ કરતો હતો જેથી કરીને અન્ય કોઈને ખબર ન પડે. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેના તમામ બેન્ક એકાઉન્ટ પણ સીઝ કરી દીધા છે.
આ કિસ્સામાં 18 ઓગસ્ટ 2024 ના રોજ સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ભરતી પરીક્ષા લેવામાં આવી જેમાં 5000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું આયોજન કરનાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિણામનો ડેટા કોર્પોરેશનને સોંપ્યો હતો, જેમાં મુખ્ય કોઓર્ડીનેટર તરીકે કોર્પોરેશન તરફથી પુલકીત સથવારા કામગીરી સંભાળતો હતો.
ટેક્નીકલ સહાયક સુપરવાઈઝરની 93 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી હતી, જેમાં 5 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ગુજરાત યુનિવર્સિટીએ 5000 ઉમેદવારોનું પરિણામ આપ્યા બાદ પુલકિતે પોતાની રીતે જ ચાર ઉમેદવારોના માર્ક બારોબાર સુધાર્યા હતા. જોકે તેણે આ રીતે ટેક્નીકલ સહાયક સુપરવાઈઝર લાઈટની ભરતીમાં પણ મૃગેશ પટેલ નામનાં ઉમેદવારનાં માર્કસ વધાર્યા હોય જેને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
