<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

મીની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો : માયનસ 0.5 ડીગ્રી લઘુતમ તાપમાન : પર્યટકો ઠંડીને માણવા માટે આબુ પહોંચી ગયા : નક્કી લેકનાં પાણીમાં અને ગાડીઓ ઉપર બરફની ચાદરો જામી ગઇ :જુઓ વિડિઓ

કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું : રાજ્યમાં દિવસેને દિવસે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં પણ ઠંડીને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી

આબુ તા.૯ : મીની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળી રહ્યો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માયનસ 0.5 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીને માણવા માટે આબુ પહોંચી રહ્યા છે.

નક્કી લેકનાં પાણીમાં અને ગાડીઓ ઉપર બરફની ચાદરો જામી ગઇ છે. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર બરફની ચાદર જામી ગઇ છે. કડકડતી ઠંડીના કારણે અહીં જનજીવન પ્રભાવિત થયું છે.

રાજ્યમાં દિવસેને દિવસે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઠંડીને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં હજી આવી જ ઠંડી રહેવાની શક્યતા હોવાનું વિભાગે જણાવ્યું છે.

આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.એ કે દાસના જણાવ્યા મુજબ રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં નલિયામાં સિઝનનું સૌથી ઓછું 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે આ તાપમાન ઘટવાની શક્યતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

ઉત્તર પૂર્વ-પૂર્વના પવન ફૂંકાયા હોવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. જોકે આ ઘટાડો 24 કલાક યથાવત રહી શકે તેમ લાગી રહ્યું છે. આ સિવાય રાજ્યનાં ચાર મહાનગરોમાં પણ ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. જેમાં અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 12.1 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 11.4 ડિગ્રી સેલ્સિયસ તો રાજકોટમાં આ સિઝનનો સૌથી ઓછું 7.3 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં ઠંડી ચમકારો જોવા મળ્યો છે, જેના પગલે ઠેરઠેર તાપણાં પેટાવી લોકોએ ઠંડી સામે હૂંફ મેળવી હતી. સાધનસંપન્ન ઘરોમાં હીટર ચાલુ રહ્યાં હતાં, જોકે ઠંડીના પ્રકોપથી સ્વાસ્થ્યપ્રેમી એવા મોર્નિંગ વોકર્સ ગેલમાં આવી ગયા છે. મોર્નિંગ વોકર્સ તેમની રોજિંદી વોકિંગ પ્રેક્ટિસની સાથે આરોગ્યપ્રદ પીણાંની જ્યાફત માણી રહ્યા છે.

(2:22 PM IST)