<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

રાજ્યમાં કાતિલ ઠંડીમાં હજુ કોઈ રાહત મળશે નહીં :15 જાન્યુઆરી સુધી બર્ફિલા પવનમાં લોકો ઠુંઠવાશે: પરેશ ગોસ્વામીની આગાહી

એકલ-દોકલ સેન્ટરમાં પવનની ગતિ ઘટવાના કારણે સામાન્ય તાપમાન ઊંચુ આવશે

અમદાવાદ : ગુજરાતમાં શિયાળો બરાબરનો જામ્યો છે, ત્યારે ગુજરાતના કેટલાક શહેરોમાં રેકોર્ડ બ્રેક ઠંડી સાથે તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. હાડ થીજવતી ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાની મદદ લઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં પણ ગુજરાતીઓને કાતિલ ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા ના હોવાની આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 15 જાન્યુઆરી સુધી ઠંડી અને પવનનું પ્રમાણ વધારે રહેશે. ગત ડિસેમ્બર મહિના કરતાં આજે 8 જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતુ.

 

છેલ્લા ચારેક દિવસથી પવનની ગતિ 20 કિમી કરતાં ઉપર હતી. જો કે આવતીકાલથી તેમાં સામાન્ય ઘટાડો થશે. અત્યારે જે 14 થી 18 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, તેમાં આવતીકાલે સામાન્ય ઘટાડો થતાં પવનની ગતિ 10 થી 15ની થઈ જશે. એમાં પણ છેલ્લા ત્રણેક દિવસથી એટલે કે 5 થી 8 જાન્યુઆરી દરમિયાન રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે. આગામી 15 જાન્યુઆરી સુધી ઠંડીમાં રાહત મળવાની શક્યતા નહીવત છે. જો કે એકલ-દોકલ સેન્ટરમાં પવનની ગતિ ઘટવાના કારણે સામાન્ય તાપમાન ઊંચુ આવશે, જેથી ઠંડીમાં નજીવો ઘટાડો થશે. આ સ્થિતિ પણ બે દિવસ સુધી જ રહેશે.

જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ અમદાવાદ, આણંદ જેવા ગણ્યાગાંઠ્યા શહેરમાં મહત્તમ તાપમાન એક-બે ડિગ્રી ઊંચુ આવવાથી ઠંડી થોડી ઘટશે. જો કે લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે કે, વહેલી સવારે અને રાતના સમયે ઠંડી યથાવત રહેશે.

(1:15 AM IST)