તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
ઉતરાણ પૂર્વે પોતે પતંગ બનાવી પગભર બનાવવા તાલીમ આપતી રાજપીપળાની શ્રી પ્રગતિ મહિલા મંડળ
આદિવાસી મહિલાઓને પતંગ તાલીમમાં પ્રથમ તબક્કામાં મહિલાઓએ 2000 પતંગો બનાવી :આગામી વર્ષે 4 થી 5 મહિના પહેલાથી પતંગ બનાવી જાતે રાજપીપળા, કેવડિયા અને અન્ય જિલ્લામાં પોતાના સ્ટોલ ખોલીવા મહિલાઓ તૈયાર

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા શહેરમાં શ્રી પ્રગતિ મહિલા મંડળ 30 વર્ષથી કાર્યરત છે. ત્યારે મહિલા અગ્રણી જ્યોતિબેન સથવારા આ સંસ્થા ચલાવી હજારો મહિલાઓને પર્સ બનાવવાનું, બ્યુટી પાર્લરનો કોર્ષ, ટુટીફૂટી બનાવવી ,અથાણું બનાવવું, પાપડ, પાપડી બનાવવાની તાલીમ આપી અનેક બહેનો ને તૈયાર કર્યા છે. હાલમાં આ સંસ્થા દ્વારા ગ્રામ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા 30 આદિવાસી મહિલાઓને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી, આ 30 બહેનોને મટીરીયલ અપાતા આ તાલીમમાં બહેનો એ 2000 થી વધુ પતંગો બનાવી હતી. હવે આ મહિલાઓ પતંગ બનાવતા શીખી ગયા છે ત્યારે તેઓ એક ઉદ્યોગ શરૂ કરી પતંગો બનાવશે. અને પહેલા પોતે સ્ટોલ લગાવી બજાર કરતા સસ્તા ભાવે વેચશે અને ત્યારબાદ વધુ બહેનો જોડીને ઉદ્યોગને મોટો કરશે.
રાજપીપળાના રહીવાસી શારદાબેન વસાવાએ જણાવ્યું હતું કે અમે રાજપીપળા લાલટાવર ખાતે આવેલ શ્રી પ્રગતિ મહિલા મંડળમાં ગાંધીનગર રાજ્ય સરકારમાંથી સ્પેશિયલ ટ્રેનરો દ્વારા અમને પતંગ બનાવતા 30 દિવસ સુધી તાલીમ અપાઈ અને બાદમાં રો મટીરીયલ આપીને અમને પતંગ બનાવવા કહી અમે 2000 થી વધુ નાની મોટી પેપરની પ્લાસ્ટિક પેપરની બટર પેપર ની પતંગો બનાવી આપી હતી. આ વર્ષે હવે સમય નથી અને અમારી પાસે એવું ફંડ પણ નથી કે રો મટીરીયલ લાવી શકીએ પણ રાજપીપલા સહીત વિવિધ વિસ્તારોમાં ખંભાત, સુરત, અમદાવાદથી પતંગો વેપારીઓ લાવે છે. જો અમે આ પતંગો બનાવીએ તો બધા કરતા સસ્તી પડે. જેથી આ વર્ષે અમે પ્લાનિંગ કરી સરકારમાંથી લોન લઈને પણ પતંગ ઉદ્યોગ કરીશું.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
