<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં ૨૨ કરોડનો દારૃ ઝડપાયો

ગુજરાતમાં દારૃબંધીની પોલ ખુલીઃચાર મહાનગરોમાંથી કુલ ૨ કરોડ, ૬૦ લાખથી વધુનો દારૃ પકડાયો છે, જેમાં સૌથી વધુ દારૃ વડોદરા શહેરમાંથી ઝડપાયો

અમદાવાદ, તા.૨

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યની સ્થાનિક પોલીસની મિલીભગત, આંખ મીચાણણા કે જાણ બહાર ચાલતા દારૃના અડ્ડા અને મોટા પ્રમાણમાં થતી હેરફેર મુદ્દે દરોડા પાડવામં આવે છે, અને કેસ નોંધવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૃ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધવામાં આવ્યા છે. ચોંકવનારી વાત તો એ છે કે સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાંથી સૌથી વધુ ૧.૪૭ કરોડ રૃપિયાનો રાજ્યનો સૌથી વધુ દારૃ જપ્ત કરાયો હતો. જેને લઈને વડોદરા પોલીસ દારૃ પકડવામાં નિષ્ક્રિય રહેતી હોય કે પછી તેની અનદેખી કરતી હોય તેવું ફલિત થાય છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૬૧ લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં ૯૦ લાખનો વિદેશી દારૃ જપ્ત કરાયો હતો. રાજ્યના વિવિધ રેંજની વાત કરીએ સુરત રેંજમાં સૌથી વધારે ૩.૯૨ કરોડ રૃપિયાનો દારૃ જપ્ત કરાયો હતો. આ સાથે વર્ષ દરમિયાન ૨૨.૫૨ કરોડ રૃપિયાનો વિદેશી દારૃ સમગ્ર રાજ્યમાંથી જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજીપી ઓફિસના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી હોવાથી રાજ્યમાં આવેલા તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓને એસએમસીના દરોડાથી સસ્પેન્ડ થવાનો ડર સતત રહેતો હોય છે. વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓ, શહેરોમાં કરવામાં આવેલી પ્રોહિબીશનની કામગીરીના ચોંકાવનારા આકડા સામે આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન એસએમસીએ ૪૫૫ કેસ પૈકી ૩૪૭ જેટલા ક્વોલીટી કેસ નોંધીને ૨૨.૫૨  કરોડ રૃપિયાની કિંમતના વિદેશી દારૃ સહિત કુલ ૫૨ કરોડ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસ કમિશનરેટની હદમાં દરોડાની વાત કરીએ તો અમદાવાદમાં ૬૧ લાખ, વડોદરામાં ૧.૪૭ કરોડ, સુરતમાં ૫૧ લાખ અને રાજકોટ શહેરમાં માત્ર ૪૮ હજાર રૃપિયાનો જ દારૃ જપ્ત કરાયો હતો. જ્યારે વિવિધ રેંજ પૈકી સુરત રેંજમાં સૌથી વધારે ૩.૯૨ કરોડ રૃપિયાનો દારૃ, અમદાવાદ રેંજમાં ૧.૪૫ કરોડ રૃપિયાનો દારૃ, ગાંધીનગર રેંજમાં ૨.૮૮ કરોડ રૃપિયાનો દારૃ, વડોદરા રેંજમાં ૨.૪૬ કરોડ રૃપિયાનો દારૃ, ગોંધરા રેંજમાં ૧.૯૩ કરોડ રૃપિયાનો દારૃ, રાજકોટ રેંજમાં ૩.૬૪ કરોડ રૃપિયાનો વિદેશી દારૃ, બોર્ડર રેંજમાં ૨.૫ કરોડ રૃપિયાનો અને ભાવનગર રેંજમાં ૧.૩૫ કરોડ રૃપિયાનો દારૃ દરોડાની કામગીરી દરમિયાન જપ્ત કરાયો હતો. સૌથી ઓછો રૃપિયા ૧૨.૫૯ લાખનો દારૃ જૂનાગઢ રેંજ અને રેલવે પોલીસની હદમાંથી ૬.૭૧ લાખ રૃપિયાનો દારૃ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ ૨૦૨૪ દરમિયાન પ્રોહીબીશન, સટ્ટા બેટિંગ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ૯૨ જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી ૭૬ આરોપીઓ અને અન્ય રાજ્યોમાંથી ૧૬ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાયા હતા. એસએમસીના ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસી કે ટી કામરિયાએ ગાંધીનગરથી સમગ્ર રાજ્યમાં બાતમીદારોના નેટવર્કને આધારે પ્રોહિબીશનની કામગીરીને કારણે અનેક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ થવાથી માંડીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.

(10:10 PM IST)