<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતાં ઠેર ઠેર વિરોધ :કાંકરેજ, ધાનેરા, દિયોદરમાં વિરોધ:શિહોરીમાં બજારો સજ્જડ બંધ

દિયોદરને નવા જિલ્લાનું વડુ મથક ન બનાવાતા વેપારીઓનો વિરોધ :કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા માગ : ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઇ પટેલ, સહિતના લોકોએ સરકાર નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો

બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થવાની સાથે કાંકરેજ, ધાનેરા, દિયોદરમાં વિરોધ શરૂ થયો છે. કાંકરેજને બનાસકાંઠામાં રાખવા અથવા પાટણમાં સમાવવાની માંગ સાથે લોકો વહેલી સવારથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સ્થાનિક લોકો દિયોદરને નવા જિલ્લાનું વડુ મથક ન બનાવાતા વેપારીઓએ વિરોધ શરૂ કર્યો છે.

    બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હવે દિયોદરમાં પણ વિરોધ શરૂ થયો છે, દિયોદરને નવા જિલ્લાનું વડું મથક ન બનાવી ઑગડ જિલ્લો જાહેર ના કરતા વિરોધ શરૂ થયો છે. દિયોદરમાં વેપારીઓ રોડ પર ઉતર્યા છે. વેપારીઓ અને ગ્રામજનોએ ધંધો રોજગાર બંધ કરવા અપીલ કરી છે. રેલી યોજીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે કાંકરેજ, દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જિલ્લા વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધ શરૂ થયો છે. ધાનેરાને બનાસકાંઠામાં મુકવાની માગ કરી રહ્યા છે. લોકોએ 'અમારો જિલ્લો બનાસ'ના સૂત્રો સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે.

    ધાનેરા અને કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં વિભાજીત કરી દેતા ઉભો વિવાદ થયો છે. કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે. શિહોરી વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધમાં સમર્થન આપી સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા માગ ઉચ્ચારી છે. તો જ્યારે ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઇ પટેલ, સહિતના લોકોએ સરકાર નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. ધાનેરા અને કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા માંગ ઉઠી છે. 

  બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભૌગોલિક પરિસ્થિતિને લઈને જિલ્લાનું વિભાજન થવું જરૂરી હતું. મેં એક મહિના પહેલા ધાનેરાને પાલનપુરમાં જ રાખવાની માંગ કરી હતી. ધાનેરા નવા જિલ્લામાં જતા રહેતા લોકોને તકલીફ પડશે. આ મામલે હું મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીશ.

  બનાસકાંઠા જિલ્લાના વિભાજનના લેવાયેલા નિર્ણયને લઈ સરહદી પંથકના લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ વર્તુળમાં આ અંગે થોડી નારાજગી પણ સામે આવી છે.. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું કહેવું છે કે જિલ્લા વિભાજનની વાત એ ભાજપની બેધારી નીતિ છે એક તરફ રાજસ્થાનના 9 જિલ્લા રદ કર્યા તો બીજી તરફ અહીંયા જિલ્લા વિભાજનની વાત લાવ્યા..પાલનપુર જિલ્લા મથક છે એનાથી કોઈને કોઈ ફરક પડતો નથી માત્ર આ ભાજપની બેધારી નીતિ છે. 2026 પહેલા વિધાનસભાની સીટોની સીમાંકન થવાનું છે ત્યારે વિસંગતાઓ ઉભી થશે..જો અલગ જીલ્લો બને તો દિયોદરને ભૌગોલિક દ્રષ્ટિએ જિલ્લો જાહેર કરવો જોઈએ..લોકોના અભિપ્રાય લઈને જ જીલ્લો અલગ કરવાની વાત કરવી જોઈતી હતી.

(1:48 PM IST)