<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

અમદાવાદમાં એસપી રિંગ રોડ પર બેફામ ટ્રકે દંપતીને 100 ફૂટ ઢસડતાં બન્નેના શરીરના ચીથરા ઉડી ગયા

બનાવની જાણ થતાં પોલીસ પહોંચી:સ્થળ પરથી મૃતકોના કચડાયેલા માનવ અંગોને દૂર કરવાની કાર્યવાહી: અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર

અમદાવાદમાં વહેલી સવારે કંપારી છોડાવી દેતો અકસ્માતનો બનાવ બન્યો છે. અમદાવાદ એસપી રિંગ રોડ પર દર્શન કરીને પરત ફરી રહેલા દંપતીને એક બેફામ ઝડપે દોડતા ટ્રકે અડફેટે લીધા હતા. ટ્રકે દંપતીને 100 ફૂટ સુધી ઢસડતાં બન્નેના શરીરના ચીથરા ઉડી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. સ્થળ પરથી મૃતકોના કચડાયેલા માનવ અંગોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાવ બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, 62 વર્ષીય કાંતિભાઈ રવજીભાઈ પટેલ અને 60 વર્ષીય પત્ની દક્ષાબેન કાંતિભાઈ પટેલ આજે વહેલી સવારે મંદિરે દર્શનાર્થે ગયા હતા. દર્શન કરીને પતિ-પત્ની ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે એસપી રિંગ રોડ પર પાંજરાપોળ ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે તેમને અડફેટે લીધા હતા. અડફેટે લીધા બાદ ટ્રક ચાલકે અંદાજે 100 ફૂટ સુધી પતિ-પત્નીને ઢસડ્યા હતા.

કંપારી છોડાવી દે તેવી અકસ્માતની આ ઘટનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા પતિ-પત્નીના શરીરના ચીથરા ઉડી ગયા હતા. બનાવની જાણ થતાં રામોલ પોલીસ અને આઇ ડિવિઝન પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસે સ્થળ પરથી કચડાયેલા માનવ અંગોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસે બનાવ અંગે નોંધ કરી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:43 AM IST)