<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ઝઘડિયા તાલુકામાં સંદીપ પટેલની પ્રમુખ તરીકે નિયુક્તિનો સખત વિરોધ કરતા સાંસદ મનસુખભાઈ વસાવા

ભરૂચ સાંસદે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ મૂકતા રાજકારણ ગરમાયું:સંદીપભાઈ પટેલે તાલુકામાં ક્યારે ભાજપનું કામ કર્યું નથી, તે તેમના ગામ પૂરતા જ સીમિત છે: સાંસદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા ભરૂચ જિલ્લામાં હંમેશા બોલતા આવેલા સાંસદ મનસુખભાઈ વસાવાએ હાલ સોશિયલ મીડિયા માં એક પોસ્ટ મૂકતા તાલુકા, જિલ્લામાં આ બાબત ભારે ચર્ચા માં છે

   મનસુખભાઈ વસાવાએ તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર મુકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે... ભરૂચ લોકસભા મતવિસ્તારમાં બધા જ તાલુકા/શહેર એકમોમાં સંગઠનનાં પ્રમુખોની જે વરણી થઈ એ તમામ ને હું આવકારું છું. પરંતુ ઝઘડિયા તાલુકામાં સંદીપ પટેલ ની પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે જેનો હું સખત વિરોધ કરું છું.

સંદીપભાઈ પટેલે તાલુકામાં ક્યારે ભાજપ નું કામ કર્યું નથી. તે તેમના ગામ પૂરતા જ સીમિત છે. તાલુકા અને જીલ્લા સંગઠનમાં જે વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છે તેઓની અવગણના કરવામાં આવી છે અને જેઓ નું પાર્ટી માં યોગદાન નથી અને લોકસભામાં પણ જેને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે અને ફૂલવાડી ગામે મારો કાર્યક્રમ હતો તેને પણ નિષ્ફળ બનાવવા તનતોડ મહેનત કરી છે. સેવસેતુનો કાર્યક્રમ અથવા તો કોઈ પણ મારા કાર્યક્રમમાં આ સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા નથી. તે માત્ર ધંધાકીય વ્યક્તિઓ સાથે જોડાયેલા છે. અને આ ધંધાકીય હિત ધરાવનારાઓએ પ્રદેશને ગેરમાર્ગે દોરી પ્રમુખ બનાવ્યા છે.

ખરેખર તો ઝઘડિયા આદિવાસી બાહુલ્ય તાલુકો છે. આદિવાસી ઉપરાંત પટેલ અને રાજપૂત આ ત્રણ સમાજનું પ્રભુત્વ છે. પટેલ અને રાજપૂત સમાજ વર્ષોથી ભાજપને સમર્થન કરી રહ્યા છે. જ્યારે વર્તમાન પ્રમુખ સંદીપ પટેલ એ પટેલ જ્ઞાતિના નથી.

આદિવાસી, રાજપૂત અથવા પટેલ સમાજ માંથી પ્રમુખ બનાવી શક્યા હોત. સંદીપભાઈ આ વર્ગમાં નથી અને મારો વિરોધ કરી લોકસભામાં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું છે અને મારા કાર્યક્રમોનો એમને બહિષ્કાર કર્યો છે જેને લઈને મારો વિરોધ છે

(9:47 PM IST)