તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd December 2024
અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસ:મુખ્ય આરોપીને પકડવા ગયેલી પોલીસને જોઈ આરોપીએ જીવતા બે બોંબ કાઢ્યા
આરોપી પાસેનાં જીવતા બોંબ એટલા સક્ષમ બનાવ્યા હતા કે જો તે બ્લાસ્ટ થાત તો આરોપીઓ અને આસપાસનાં તમામ પોલીસકર્મીઓનાં મોત થઈ શકતા હતા.

અમદાવાદ: શહેરના સાબરમતી વિસ્તારમાં ફિલ્મી ઢબે બ્લાસ્ટ કરી એક વ્યક્તિની હત્યાનો પ્રયાસ કરાયો હતો. જે કેસમાં એક બાદ એક મોટા ખુલાસાઓ થયા હતા. ગુનામાં સામેલ મુખ્ય આરોપીની પણ પોલીસે ધરપકડ કરી, જોકે આ ગુના આચરવા પાછળની પ્રેરણા આરોપીને કઈ રીતે મળી તે જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં સવારનાં સમયે બનેલી ઘટનાએ અમદાવાદ પોલીસ સહિત ગુજરાતની મોટી એજન્સીઓને પણ દોડતી કરી હતી. વિગતવારવાત કરીયે તો સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસમાં રહેતા અને ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટનાં ત્યાં ક્લાર્ક તરીકે નોકરી કરતા બળદેવ સુખડિયા સવારનાં સમયે ઘરે હાજર હતા. તે સમયે એક શખ્સ તેઓની પાસે તેમનાં નામનું પાર્સલ આવ્યું છે કહી આપવાનો પ્રયાસ કર્યો, જોકે તેઓએ પોતે પાર્સલ મંગાવ્યું ન હોવાથી લેવાનો ઈન્કાર કર્યો અને પાર્સલ આપનાર પરત ફર્યો અને પાછો આવ્યો ત્યાં અચાનક પાર્સલમાંથી બ્લાસ્ટ થયો. જે ઘટનામાં પાર્સલ લાવનાર અને બળદેવ ભાઈનાં ભાઈ સહિતનાંને ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી જેમાં રૂપેન બારોટ, ગૌરવ ગઢવી અને રોહન રાવળનું નામ સામે આવ્યું. જેમાંથી ગૌરવ ગઢવી સ્થળ પરથી જ પકડાઈ ગયો હતો.
ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, ડોગ સ્કવોર્ડ, એફએસએલ, BDDS, અને ગુજરાત ATS પણ આ કેસમાં તપાસમાં જોડાઈ હતી. આરોપીનાં સાબરમતીમાં આવેલા ગોદાવરી એપાર્ટમેન્ટમા ઘરમાં તપાસ કરતા ઘરમાંથી બોંબ બનાવવાનાં સંસાધનો અને 3 દેશી તમંચા મળી આવ્યા હતા. જે અંગે અલગથી સાબરમતી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં માસ્ટર માઈન્ડ રૂપેન બારોટ અને રોહન રાવળ ફરાર હોય ઝોન 2 એલસીબીનાં PSI કે.ડી પટેલ, આર.એચ પાંડવ સહિતની ટીમો તપાસમાં લાગી હતી. તેવામાં ઝોન 2 એલસીબીને મળેલી માહિતીનાં આધારે બન્ને આરોપીઓને ત્રાગડ પાસે કારમાં હોવાથી રોક્યા હતા. પોલીસને જોઈને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. આરોપીની ગાડીને બન્ને તરફથી પોલીસે કોર્ડન કરી લીધી હતી. જોકે આરોપીઓએ દરવાજો ન ખોલતા પોલીસે કારનાં કાચ ખોલવાનું જણાવ્યું હતું. જેમાં એક બાજુનો કાચ અધડો ખુલતા જ પોલીસે કાચ તોડી નાખ્યો હતો.
પોલીસે કારમાં નજર કરતા રૂપેન બારોટ અને રોહન રાવળ બન્ને હાજર હતા અને તેઓની પાસે બે જીવતા બોંબ અને એક દેશી તમંચો હતો. જે બોંબનો રિમોટ આરોપીઓ પાસે હોવાથી બ્લાસ્ટ કરી નાખે તેવી પુરી શક્યતા હતી. આરોપી પાસેનાં જીવતા બોંબ એટલા સક્ષમ બનાવ્યા હતા કે જો તે બ્લાસ્ટ થાત તો આરોપીઓ અને આસપાસનાં તમામ પોલીસકર્મીઓનાં મોત થઈ શકતા હતા. પોલીસે સૌથી પહેલા આરોપી પાસેથી બોંબનું રિમોટ મેળવ્યું અને બીજા પોલીસકર્મીએ આરોપીઓ પાસેથી બન્ને જીવતા બોંબ મેળવ્યા જે દરમિયાન બોંબ ડિટેક્ટ અને ડિસ્પોઝલ સ્કવોડ ત્યાં પહોંચી ચુકી હતી. અને 3 કલાકની જહેમત બાદ બોંબને ડિફ્યુઝ કરવામાં સફળતા મળી હતી.
અંતે આરોપીઓને પકડી પોલીસ મથકે લાવી પુછપરછ કરતા મોટા ખુલાસા થયા હતા. આરોપી રૂપેન બારોટે બે વાર પ્રેમલગ્ન કર્યા હતા અને પહેલી પત્ની સાથે મનમેળ ન થતા છૂટાછેડા લીધા હતા અને બીજી વાર હેતલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે લગ્નજીવનમાં પણ પોતાની પત્ની હેતલનાં બળદેવ સુખડિયા સાથે આડાસંબંધ હોવાની આશંકા તેમજ બળદેવ ભાઈ પતિ પત્નીને દૂર કરતો હોવાનો વહેમ હતો.
જેથી ઈન્ટરનેટ પરથી સર્ચ કરી 3 મહિના સુધી સતત કામ કરી આ બોંબ અને દેશી તમંચા બનાવ્યા હતા. અને તે પોતે આ કામ એકલો કરી શકી એમ ન હોય જેથી રોહન રાવળ અને ગૌરવ ગઢવીની મદદ લીધી હતી. શુક્રવારે રાતનાં સમયે રૂપેને રોહન રાવળને બોંબ આપી બળદેવ સુખડિયાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાતનાં સમયે બળદેવ સુખડિયા હાજર ન હોવાથી બીજા દિવસે ગૌરવ ગઢવી જોડે પાર્સલ મોકલી બ્લાસ્ટ કરાવ્યું હતું. આ બ્લાસ્ટ બાદ રૂપેન બારોટે પત્નીનાં ભાઈ અને પિતાની પણ આ જ રીતે બ્લાસ્ટ કરી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આરોપી પાસેથી પોલીસે 2 જીવતા બોંબ, 5 જીવતા કાર્ટીસ, 4 દેશી તમંચા, 4 બેટરી, 23 ખાલી કારતૂસ, 2 રિમોટ, 3 મોબાઈલ, નાની મોટી ખીલી અને સ્ક્રુ, છરા, 62 મીર્ચી બોંબ, છરી, બ્લેડ સહિત બોંબ અને દેશી તમંચા બનાવવાનાં સાધનો કબ્જે કર્યા છે. આરોપીની વધુ તપાસ કરતા સામે આવ્યું કે રૂપેનને પેટની તકલીફ હોવાથી વારંવાર તેની પત્ની હેતલ અને સાળો તેમજ સસરા તે નિર્બળ હોવાનો અહેસાસ કરાવતા હતા. જે બાબતનું પણ તેને માઠુ લાગ્યું હતું. તેનો મેલ ઈગો હર્ટ થતા તેણે ગંધક પાવડર, બ્લેડ, બેટરી, ચારકોલ, ફટાકડાનો ગેન પાવડર વગેરે સામગ્રી એકઠી કરી બોંબ બનાવી બળદેવ સુખડિયા, સાળો અને સસરાની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
