<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

અસલાલીમાં રીક્ષા ચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો :પ્રેમસબંધના વિરોધમાં સાગરીતો સાથે મળીને સાકીબને મોતને ઘાટ ઉતાર્યો

-જેની રીક્ષા ભાડે ફેરવતો હતો તેની જ પુત્રી સાથે આંખ મળી : આશા ચુનારાએ મૂળ યુપીના ધર્મેન્દ્ર તેમજ ચાંગોદર રેલવે ફાટક નજીક રહેતા ધરમ અને એક સાગરિત સાથે મળીને સાકિબની ઠંડા કલેજે હત્યા કરી

અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ મથકની હદમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઑટો રિક્ષા ચાલકની હત્યાના ગુનાનો લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો છે. પ્રેમ પ્રકરણમાં થયેલી આ હત્યાના ગુનામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત રવિવારે સવારે અસલાલી પોલીસ મથકની હદમાં આવતા મહીજડાથી મુક્તિપુરા ગામ વચ્ચેના રસ્તા પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા મૃતક યુવકની ઓળખ જૂહાપુરામાં રહેતા રિક્ષા ચાલક સાકિબ ખાન (29) તરીકે થઈ હતી. આ મામલે વટવામાં રહેતા સાકિબના મોટાભાઈ શાહરૂખ પઠાણે અસલાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક સાકિબ અને પીપળજ ગામમાં રહેતી રેખા ચુનારા વચ્ચે પ્રેમસબંધ હતો. આ બાબતની જાણ રેખાની માતા આશાની થઈ ગઈ હતી. જે બન્નેના પ્રેમસબંધના વિરોધમાં હતા.

આથી આશા ચુનારાએ પોતાના મકાનમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના ધર્મેન્દ્ર તેમજ ચાંગોદર રેલવે ફાટક નજીક રહેતા ધરમ અને એક સાગરિત સાથે મળીને સાકિબની ઠંડા કલેજે હત્યા કરી હતી.

મૃતક સાકિત આશા ચુનારાની જ ઑટો રિક્ષા ભાડે ફેરવતો હતો. ગત રવિવારના રોજ પણ સાકિબ રાબેતા મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ રિક્ષા લેવા માટે પીપળજ સ્થિત આશાના ઘરે ગયો ગતો. જ્યાં ધર્મેન્દ્ર સહિતના સાગરિતોએ મળીને સાકિબને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

(1:20 AM IST)