<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

એલએલબીમાં એડમિશન માટે 23 વર્ષ સુધી વૃદ્ધે કાનૂની લડત લડી:કોર્ટે પ્રવેશ આપવા કર્યો આદેશ

કોર્ટે કાનૂની ખર્ચ લો કોલેજ અને ગુજરાત યુનિવર્સિટી ભોગવવાનો પણ નિર્દેશ કર્યો :વર્ષ 2001માં 42 વર્ષીય શશી કુમાર મોહતાએ ડીટી લો કોલેજ અને ગુજરાત યુનિવર્સિટી સામે સિવિલ અરજી દાખલ કરી હતી

અમદાવાદ : લો નો અભ્યાસ કરવા માટે લો કોલેજમાં પ્રવેશ મેળવવા માટે 23 વર્ષની કાનૂની લડાઈ 65 વર્ષીય વૃદ્ધે લડી હતી. સેશન્સ કોર્ટે 23 વર્ષની લાંબી કાનુની કાર્યવાહીના અંતે વૃદ્ધને લો કોલેજમાં એડમિશન આપવાનો આદેશ કર્યો છે. તેમજ કાનૂની ખર્ચ લો કોલેજ અને ગુજરાત યુનિવર્સિટી ભોગવવાનો પણ નિર્દેશ કર્યો છે.

અરજદારે સેશન્સ કોર્ટમાં વર્ષ 2001માં 42 વર્ષીય શશી કુમાર મોહતાએ ડીટી લો કોલેજ અને ગુજરાત યુનિવર્સિટી સામે સિવિલ અરજી દાખલ કરી હતી. જેમને ગુજરાત યુનિવર્સિટી અને લો કોલેજમાં ભણવા માટે દાદ માંગી હતી. તેઓ શરૂઆતમાં આ કેસમાં હાજર ન રહેતા તેમના કેસનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. જોકે બાદમાં તેના રિસ્ટોરેશન માટે વર્ષ 2019 માં ફરીથી અરજી કરી હતી. તેને વર્ષ 2022માં મંજૂરી મળી હતી.

અરજદાર શશી કુમાર વર્ષ 1980 થી શેરબજારમાં રોકાણ કરતા હતાં. તેમણે 1976માં કલકત્તા ઓફ હાયર સેકન્ડરી પાસ કરી હતી. અને 1979માં કલકત્તા યુનિવર્સિટી માંથી બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવી હતી. 1980માં તેઓ અમદાવાદ આવીને સ્થાયી થયા હતાં. અને શશી કુમારે જુલાઇ 2000 માં લો ના અભ્યાસ માટે લો કોલેજમાં ફી ભરી હતી. પરંતુ કોલેજ તરફથી તેમને ફી ની કોઈ રસીદ આપવામાં આવી નહોતી.

અરજદારનું માનવું છે કે, કાયદાનો અભ્યાસ તેમના ધંધામાં ખૂબ કામ આવી શકે છે. પરંતુ તે સમયે લો કોલેજે ગુજરાત યુનિવર્સિટીના નિયમો બતાવી કહ્યું હતું કે, જે વિદ્યાર્થીએ બેચલર ડિગ્રી મેળવવા સાથે કુલ 15 વર્ષનો અભ્યાસ કર્યો હોય તેને જ LLB માં એડમિશન મળી શકે છે. જ્યારે અરજદાર શશી કુમારે 14 વર્ષનો અભ્યાસ કર્યો હતો. જેથી કોલેજે પ્રવેશથી વંચિત રાખ્યા હતા.

આ કેસમાં અરજદાર તરફે દસ્તાવેજી પુરાવા જેવા કે, માર્કશીટ, સર્ટિફિકેટ, આઈ.ડી.કાર્ડ સહિતના 13 પુરાવા રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે અરજદાર તરફે ચુકાદો આપતા નોંધ્યું હતું કે, અરજદાર 14 વર્ષ ભણ્યા કે 15 વર્ષ ભણ્યા તે મહત્વનું નથી. તેમની સ્નાતકની ડિગ્રી યોગ્ય છે કે નહીં તે જરૂરી છે. આથી તેમની ડિગ્રીની ચકાસણી કરીને તેમને વર્ષ 2025-26 ના LLB કોર્સમાં નિયત ફી લઇને પ્રવેશ આપવામાં આવે.

(1:37 PM IST)