News of Monday, 16th December 2024
વડોદરા :ગેંગરેપના આરોપીનો કસ્ટડીમાં આપઘાતનો પ્રયાસ: ચાદરનો છેડો ફાડી ગળે ગાંઠ બાંધતા જ PSOએ દોડીને પકડ્યો
થોડા દિવસ પૂર્વે ગેંગરેપના આરોપીને 9 વર્ષે મધ્ય પ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો હતો: 2016ના ગેંગરેપ કેસના અન્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર

વડોદરા શહેર પોલીસ વિભાગના સિટી પોલીસ મથકની ટીમે થોડા દિવસ પૂર્વે ગેંગરેપના આરોપીને 9 વર્ષે મધ્ય પ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો હતો, જેને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ આરોપીએ ચાદરનો છેડો ફાડી ગળે બાંધી આપઘાતનો પ્રયાસ કરતા તુરંત તેને PSO દ્વારા અટકાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ACP એમ.પી.ભોજાણીએ આ મામલે માહિતી આપતા જણાવ્યું કે, સિટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં એક રેપનો ગુનો દાખલ થયો હતો. જેમાં ચાર આરોપી હતા, જે પૈકી શાંતુ નિનામા (40) નામના આરોપીને મધ્ય પ્રદેશથી લાવવામાં આવ્યો હતો, જેના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જેને હાલ સિટી પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો છે.
વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ શાંતુએ પોતાને ઓઢવા આપેલી ચાદરનો ચીરો ફાડીને ગળે ગાંઠ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે ત્યાં હાજર PSO તાત્કાલીક દોડી આવ્યા હતા અને લોકઅપ ખોલીને આરોપીના ગળે બાંધેલો ચાદરનો છેડો ખેંચી લીધો તો. જે બાદ આરોપીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ગુનામાં અન્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જ્યારે નિયમ અનુસાર આરોપીને લોકઅપમાં એક ચાદર, ગાદલુ અને પીવાનું પાણી આપવામાં આવતું હોય છે. આ કેસમાં આરોપીને ઓઢવા માટે આપવામાં આવેલી ચાદરનો છેડો ફાડીને તેની પટ્ટી બનાવી લટકવાની જગ્યાએ ગળે ગાંઠ મારીને હાથથી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જો કે PSOની સમયસૂચક્તાના કારણે અઘટિત ઘટના બનવા પામી નહતી. અત્યારે તો આરોપીની સારવાર બાદ તેની તપાસ કરવામાં આવશે, જો કોઈ અન્ય કારણ હશે, તો ગુનો દાખલ કરવામાં આવશે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
