<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

વલસાડ જિલ્લામાં ભરશિયાળે માવઠાથી શિયાળું પાકને નુકસાનની ભીતિ :ખેડૂતોમાં ચિતાની લાગણી

વલસાડ જિલ્લાના ગોરખડા, મોહપાડા, આવધા અને રાજપૂરમાં ભરશિયાળે અષાઢી માહોલ છવાયો

વલસાડ જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.હવામાન નિષ્ણાંતો દ્વારા દક્ષિણ ભારતમાં લેન્ડ ફૉલ થયેલા 'ફેંગલ' વાવાઝોડું આગળ વધીને અરબ સાગરમાં નબળું પડી ગયું છે. જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ સુરત, તાપી, વલસાડ અને વાપી જેવા દક્ષિણના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો હતો. વલસાડ જિલ્લાના આંતરિયાળ ગામો જેમ કે ગોરખડા, મોહપાડા, આવધા અને રાજપૂરમાં ભરશિયાળે અષાઢી માહોલ છવાયો હતો. કમોસમી માવઠું પડવાથી શિયાળું પાકને નુકસાનની ભીતિ સેવાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. જો કે 3 દિવસ બાદ ઠંડીનું જોર વધવા માંડશે.

(9:23 PM IST)