<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

રાજકોટની નવી જેલ અદ્યતન અને સુરક્ષા ચક્રથી સજજ રહેશેઃ ડો.કે.એલ.એન રાવ

અદ્યતન જેલ માટે મંજુરીની મોહર લાગતા મુખ્‍ય જેલ વડા અને જેલ સુપ્રિ. રાઘવ જૈન સહિતની ટીમ એકશન મોડમાં : ૬૦ એકરમાં બનનાર અદ્યતન જેલનાં નવનિર્માણ અંગેની કામગીરીને વેગ આપવા મુખ્‍ય જેલ વડા તુરંત રાજકોટ આવશે. રાજકોટ જેલમાં ટ્રાવેલ બેગ પ્‍લાન્‍ટ સહિત વિવિધ ઉદ્યોગો શરૂ કરવા બ્‍લુ પ્રિન્‍ટ અગાઉથી તૈયાર રાખીઃ અકિલા સાથે સિનિયર આઇપીએસ અને મુખ્‍ય જેલવડા સાથે વાતચીત....

રાજકોટઃ તા.પ ગુજરાતની જેલોના ઇતિહાસમાં કદી ન થયેલ હોય તેવા રીઢા ગુનેગારો કાળમિઢ પત્‍થર વચ્‍ચે રહી પત્‍થર હૃદયના બનતા અટકાવવા. અને જેલ જીવન પછી પણ તે વડાપ્રધાનનાં સ્‍વપ્‍ન મુજબ આત્‍મનિર્ભર બને તે માટે છેલ્લા પાંચ વર્ષથી રાજયના સિનિયર આઇપીએસ ડો. કે. એલ.એન. રાવ સતત ઝઝૂમી રહ્યા છે. તેમના ધર્મ પત્‍ની ડો. ઇન્‍દુ રાવ કે જેઓ દીન દયાળ ઉપાધ્‍યાય એનર્જી યુની.ના ડીન છે અને જાણીતા શિક્ષણવિદ છે તેઓ પોતાના વ્‍યસ્‍ત શેડયુલ વચ્‍ચે પતિના કાર્યમાં સહયોગ આપી રહ્યા છે.

આવા કાર્યમાં વધુ એક સિદ્ધિ મળતા ડો. કે.એલ.એન.રાવ  તુરંત રાજકોટ આવી આ મહત્‍વકાંક્ષી પ્રોજેકટ અંતર્ગત રાજકોટ જેલ સુપ્રિ. સહિત કલેકટર વિેગેરે સાથે આગળની વિધિ માટે ચર્ચા વિચારણા કરનાર છે.  અત્રે એ યાદ રહે કે રાજયની વિવિધ જેલોના કેદીઓની ક્ષમતા કરતા કેદીઓની સંખ્‍યા વધુ હોવાથી જે મુશ્‍કેલી સર્જાય છે. તે દૂર કરવા હાલના સમયની જરૂરિયાત નજર સમક્ષ રાખી અદ્યતન જેલ માટે કલેકટર સહિતના તંત્ર સાથે બેઠકો યોજી વિશાળ અને અદ્યતન જેલ માટે જમીનની માંગણી કરવા ડો. રાવનાં માર્ગદર્શનમાં ટીમો કાર્યકરત બનેલ છે.

સૌરાષ્‍ટ્રના પાટનગર એવા રાજકોટમાં પણ જેલ કેદીઓની સંખ્‍યા ૧ર૩૦ સામે ર૩૦૦ જેટલી હોવાથી અને ભવિષ્‍યમાં આવી સંખ્‍યા વધે તે બાબત ધ્‍યાને રાખી રાજકોટના કલેકટર પ્રભવ જોષીએ ૬૦ એકર જમીન માંગણી મુજબ રાજકોટથી આગળ જતા ન્‍યારા વિસ્‍તારમાં ફાળવી છે. ઉકત બાબતે અકિલા સાથે વાતચીતમાં ડો.ડી.કે.એલ.એન રાવ દ્વારા કલેકટર અને તેમની ટીમનો આભાર વ્‍યકત કરવા સાથે હવે અદ્યતન જેલ નિર્માણ કાર્ય તુરત આરંભાશે તેમ જણાવેલ છે.

 કેદીઓ સારી રીતે અને સલામત રીતે રાખવા સાથે જેલમાં હાલના ફર્નિચર, ફરસાણ ઉદ્યોગ સાથે હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ટ્રાવેલ બેગ પ્‍લાન વિગેરે વિસ્‍તૃત રીતે શરૂ કરવા કોઇ કચાસ નહિ રખાય તેમ જણાવેલ.  તેઓએ વિશેષમાં જણાવેલ કે, પોતે ચાર કે પાંચ દિવસમાં રાજકોટ આવી રહ્યા છે. આખા પ્‍લાન અંગે અભ્‍યાસ કરી અને અદ્યતન અને સુવિધાજનક જેલનાં પ્‍લાનીંગ અંગે પ્રાથમિક ચર્ચાની અમલવારી સાથે આગળની ર્કાવાહી અંગે રાજકોટ જેલ સુપ્રિ. રાઘવ જેન ટીમને માર્ગદર્શન આપવામા઼ આવશે. અત્રે એ યાદ રહે કે રાજય સરકારની વિવિધ યોજનાઓ કેદી અને પરિવાર સુધી પહોચી જાય તેવા પ્રયત્‍ન આ સિનિયર આઇપીએસ દ્રારા થાય છે. તેઓએ જણાવેલ કે મુખ્‍ય મંત્રી અને ગૃહ  મંત્રી હર્ષ સંઘવીનો પણ ખૂબ સહયોગ અમારા કાર્યમાં પ્રેરકબળ છે.

(1:00 PM IST)