તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
રાજ્યની બિલ્ડર લોબીએ સરકાર સામે જંત્રી વધારા મુદ્દે બાંયો ચઢાવી: ક્રેડાઈ મુખ્યમંત્રીને રજુઆત કરશે
સામાન્ય નાગરિક માટે મકાનોની કિંમતમાં 40 ટકાનો વધારો થશે:નવા ખરીદનાર માટે મકાનો મોંઘા થશે. જંત્રીની કિંમત ઊંચી જવાથી મકાન ખરીદનારે સ્ટેમ્પ ડ્યુટી પણ ઊંચી ભરવી પડશે.

અમદાવાદ :રાજ્ય સરકારે નવી જંત્રી જાહેર કરી છે જેમાં અનેકગણો વધારો પણ સુચવ્યો છે. આ જંત્રીના વધારા સામેના વાંધા-સૂચનો મોકલવા માટે સરકારે એક માસનો સમય આપેલો છે. જોકે આ સમયગાળા દરમિયાન રાજ્યની બિલ્ડર લોબીએ સરકાર સામે જંત્રી વધારા મુદ્દે બાંયો ચઢાવી છે. બિલ્ડરોના સંગઠન ક્રેડાઈ અને ગાહેડે સંયુક્ત રીતે આ વધારા સામે વિરોધનો સૂર પુરાવ્યો છે અને આ મુદ્દે આગામી દિવસોમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા સહિતની તૈયારીઓ કરી છે. નવી જંત્રીના કારણે મકાનોની કિંમતમાં 40 ટકાનો વધારો થશે તેવું ક્રેડાઈનું માનવુ છે.
રાજ્ય સરકારે જાહેર કરેલી નવી સૂચિત જંત્રી સામે રાજ્યભરના બિલ્ડરોએ વિરોધ નોંધાવ્યો છે. આ અંગે આયોજીત પત્રકાર પરિષદમાં ક્રેડાઈ પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે જણાવ્યુ કે, સરકારે છેલ્લા 12 વર્ષથી જંત્રીમાં વધારો કર્યો નથી અને હવે અચાનક જ નવા સુચિત દરોમાં 50 થી બેહજાર ટકાનો વધારો કરી દીધો છે. કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં તો આ વધારો 3 થી 4હજાર ટકા જેટલો પણ છે. આવા સંજોગોમાં જંત્રીના દર ઘટાડવા જરુરી છે. સરકારે અચાનક જંત્રી વધારી અને તેપણ ડબલ કરતા પણ વધુ વધારો કર્યો. અધુરામાં પુરુ આ વધારા સામેના વાંધા-સૂચનો મોકલવા માટે માત્ર 30 દિવસનો જ સમય આપ્યો છે જે પણ અપુરતો છે. સરકારે ઓનલાઈન વાંધા-સૂચનો મુકવાનો વિકલ્પ આપેલો છે પણ મોટા ભાગે વેબસાઈટ ચાલતી નથી અને ઓટીપી આવવામાં જ કલાકો નીકળી જાય છે. સરકારે અગાઉ જ્યારે જંત્રીનો વધારો કર્યો ત્યારે તે સાયન્ટિફીક પદ્ધતિએ કર્યો હોવાનું જણાવ્યુ હતુ પરંતુ આ વખતે જાહેર કરેલી સૂચિત જંત્રીમાં ક્યાંય સાયન્ટિફીક સર્વે નજરે પડતો નથી.
સરકારે આ વખતે જંત્રીમાં 50 થી 2હજાર ટકાનો વધારો સૂચવ્યો છે તેવો ક્રેડાઈનો આક્ષેપ છે. ક્રેડાઈનું માનવું છે કે જો આ સૂચિત દરનો વધારો વાસ્તવિક રીતે અમલી બને તો સામાન્ય નાગરિક માટે મકાનોની કિંમતમાં 40 ટકાનો વધારો થઈ જશે. માટે નવા ખરીદનાર માટે મકાનો મોંઘા થશે. જંત્રીની કિંમત ઊંચી જવાથી મકાન ખરીદનારે સ્ટેમ્પ ડ્યુટી પણ ઊંચી ભરવી પડશે. મકાનની કિંમત વધવાની સાથે સાથે મિલકત વેરાના દર પણ ઊંચા જશે. ખેડૂતો માટે પણ ઊચી જંત્રી નુકસાનકારક સાબિત થશે. માટે ખેડૂતોએ પણ આ મુદ્દે જાગૃત થવુ જોઈએ તેવુ ક્રેડાઈનું કહેવુ છે.
ક્રેડાઈનું માનવું છે કે જંત્રીના દરમાં એકસાથે આટલા મોટા પાયે વધારો થાય તો બિલ્ડરો માટે ડેવલપમેન્ટ કોસ્ટ વધી જાય. જમીનની કિંમત કરતા પ્રિમિયમ વધી જાય. બિલ્ડરો બહુમાળી ઈમારતો બનાવે ત્યારે જે એફએસઆઈ ખરીદે છે તેમાં પણ જંત્રીના વધારાથી 800 રુપિયા જેટલો વધારો થઈ જશે. વર્તમાન સૂચિત જંત્રીમાં કેટલા સ્થળે સર્વે નંબર જ મિસીંગ હોવાનો પણ ક્રેડાઈનો આક્ષેપ છે.
ક્રેડાઈ પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે જણાવ્યુ કે, ક્રેડાઈની સરકાર સમક્ષ મુખ્ય ત્રણ માગણીઓ છે. સૌથી પહેલા તો સરકાર સૂચિત જંત્રીમાં બિલ્ડરો સાથે પારદર્શકતાથી વર્તે. કેમકે જે રીતે બેહજાર ટકા જેટલો વધારો સુચવેલો છે તે જોતા આ જત્રી સાયન્ટિફીક સર્વેને આધારે નક્કી કરાઈ હોય તેમ લાગતુ નથી. માટે સૌપ્રથમ સરકાર દર નક્કી કરવા સંદર્ભે પારદર્શકતા દાખવે. હાલ સરકારે વાંધા-સૂચનો મોકલવા માટે માત્ર 30 દિવસની જ મુદ્દત આપી છે તેના સ્થાને મુદ્દત વધારી 31 માર્ચ, 2025 કરવામાં આવે. ઓનલાઈન વાંધા-સૂચનો મોકલવામાં વેબસાઈટ અને ઓટીપી જનરેટ થવામાં તકલીફો ઊભી થાય છે જેના કારણે ઓનલાઈન સૂચનો મોકલી શકાતા નથી. આવા સંજોગોમાં સરકાર તમામ જિલ્લાઓમાં ઓફલાઈન વાંધા-સૂચનો સ્વીકારવાનું શરુ કરાવે અને તે વાંધા-સૂચનોને પણ અગત્યતા આપે. આ સિવાય પણ જો સરકાર આ મુદ્દે હકારાત્મક પ્રતિભાવ ન આપે તો આગામી દિવસોમાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવા ક્રેડાઈએ તૈયારી કરી છે. સાથે સાથે ક્રેડાઈએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ વધારો પરત નહી ખેંચાય તો આગામી એક વર્ષ સુધી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈ નવો પ્રોજેક્ટ લોન્ચ નહી કરાય.
પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે જણાવયુ કે જંત્રીમાં આટલા મોટા પાયે વધારાના વિરોધમાં એક બિલ્ડરે કોર્ટમાં અરજી કરી દીધી છે. ક્રેડાઈ હાલ સરકાર સાથે વાટાઘાટોના પ્રયાસમાં છે પણ જો આગામી દિવસોમાં આ મુદે કોઈ હકારાત્મક પરિણામ ન આવ્યુ તો જંત્રી મુદ્દે કોર્ટમાં કેસ પણ કરવામાં આવશે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
