<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

તાંત્રિક વિધિ કરી વેપારીને રૂપિયા ચાર ગણા કરવાની લાલચ આપનાર ભુવો ઝડપાયો : ક્રાઇમ પેટ્રોલ જોઈ બનાવ્યો પ્લાન

વેપારીને મોતને ઘાટ ઉતારી પૈસા મેળવવાનો મનસૂબો : પાણી કે દારૂમાં સોડિયમ નાઈટ્રીટ નામના કેમિકલ પાવડરને ભેળવી પીવડાવવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીની તપાસ અને પુછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી

અમદાવાદ :તાંત્રિક વિધિ કરીને રૂપિયા ચાર ગણા કરવાની લાલચ આપી વેપારીને મોતને ઘાટ ઉતારી પૈસા મેળવવાનો પ્લાન બનાવનાર તાંત્રિક ઝડપાયો છે. ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈને ઓછા સમયમાં પૈસા કમાવી લેવાના સપના જોનાર શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. આરોપીની તપાસ અને પુછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ મામલે સરખેજ પોલીસને જીગર ગોહિલ નામનાં યુવકે જાણ કરી હતી તે તેનાં દૂરનાં કૌટુંબિક બનેવી નવલસિંહ ચાવડા તેનાં દિકરાને ક્રિકેટ ટ્રેનીંગ કરાવવા માટે પરિવાર સાથે વેજલપુરમાં રહે છે. નવલસિંહ ચાવડા પાસે એક કાર છે તે કાર દિવસ દરમિયાન તે પોતે ચલાવે છે અને રાત્રે જીગર ગોહિલ ચલાવે છે. બે મહિનાં પહેલા નવલસિંહે જીગરને ગાડી ચલાવી પૈસા વાળુ નહી થવાય, મારી પાસે એક પ્લાન છે તારે મને તેમા સાથ આપવાનો છે તેમ જણાવ્યું હતું. કોઈ વ્યક્તિને ફસાવી એકનાં ત્રણ ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી, કોઈ પણ રીતે મારી નાખી રૂપિયા લઈ ભાગી જવાનું અને તે રૂપિયામાંથી જીગરને 25 ટકા રકમ આપવાની લાલચ આપી હતી. જીગરને નવલસિંહની નિયત સારી ન લાગતા તેણે વધુ માહિતી મેળવવા તેની દરેક વાતમાં હા પાડી તેની સામે પુરાવાઓ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જોકે પુરાવા ન મળતા જીગર ગોહિલે ખોટુ કામ કરવું ન હોવાથી આઠેક દિવસથી નવલસિંહની ગાડી ચલાવવાનું અને તેને મળવાનું બંધ કરી દિધુ હતું. 

 

જે બાદ પણ નવલસિંહ ચાવડા અવારનવાર જીગર ગોહિલને ફોન કરી પૈસા પડાવાનાં અને મારી નાખવાના અલગ અલગ પ્લાન ફોન પર જણાવતો હતો જે તમામ વાતચીતનું જીગરે રેકોર્ડિંગ કરી લીધુ હતું. ગત 30 ઓક્ટોબરનાં રોજ નવલસિંહે જીગરને ફોન કરી રવિવારે પહેલી નવેમ્બરે સવારે 11 વાગે મમતપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોલાવ્યો હતો.

નવલસિંહ ચાવડાએ સાણંદનાં વેપારી અભીજીતસિંહ રાજપુતને પોતાની વાતોમાં ફસાવી તાંત્રિક વિધિથી તેનાં રૂપિયા 4 ગણા કરી આપવાની લાલચ આપી હતી અને તેને સનાથલ પાસે બોલાવી તાંત્રિક વિધિ કરીને પાણી કે દારૂમાં સોડિયમ નાઈટ્રીટ નામના કેમિકલ પાવડરને ભેળવી પીવડાવવાનો પ્લાન બનાવ્યો હતો. જે કેમિકલ પીધા બાદ વેપારી 15 થી 20 મીનીટમાં બેભાન થઈ જાય અને તેનો અકસ્માત અથવા તો હાર્ટ એટેક આવી અને તેનું મોત થઈ જાય અને કોઇને શંકા પણ નહી જાય તેથી તમામ રૂપિયા પોતાને મળી જાય તેવો પ્લાન બનાવ્યો હતો. 

 

પરંતુ જીગર ગોહિલ વેપારીનો જીવ બચાવવા માંગતા હોવાથી તરત જ સરખેજ પોલીસને જાણ કરી હતી. પોલીસને આરોપી સાથેની વાતચીતનાં કોલ રેકોર્ડિંગ પણ આપ્યા હતા. જેથી પોલીસે લોકેશન કઢાવી અને અભીજીસિંહ રાજપુતનો નંબર મેળવી સંપર્ક કરી નવલસિંહ ચાવડા આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરે તે પહેલા જ ઝડપી લીધો હતો. 

(6:31 PM IST)