<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

સ્‍વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા સુરતના રાજકોટ ગુરૂકુલની સુરત શાખાના સંતો-ભકતો દ્વારા પૂજન

સુરત વેડ રોડ ગુરૂકુલના સંતો અને હરિભકતો દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ભગવાને કોટવાલ અરદેવજીને ર૦૦ વર્ષ પહેલા આપેલી પાઘડીનું આજે શ્રધ્‍ધાપૂર્વક પૂજન કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ, તા. ૩ : આજથી ૨૦૦ વર્ષ પહેલા ભગવાન શ્રી સ્‍વામિનારાયણની સુરતમાં ધામધૂમથી ૫ધરામણી થયેલી. એ સમયના સુરત જિલ્લાના કોટવાલ અરદેશરજી પારસીને ભગવાન સ્‍વામિનારાયણે પાઘ આપેલી. જેને આજે ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં ગુરુકુલના સંતોએ પૂજન અર્ચન કરેલ .

 શ્રી પ્રભુ સ્‍વામીએ જણાવ્‍યા મુજબ   ભગવાન શ્રી સ્‍વામિનારાયણ સુરતમાં સંવત ૧૮૮૧ ( ઈ.સ. ૧૮૨૪)ના કારતક વદ છઠ્ઠ થી માગશર સુદ બીજ કુલ ૧૧ દિવસ રોકાયા. સુરતના એ સમયના નવાબ મીર અફજુલ્લદીન અહમદખાને  અરદેશરજીને કોટવાલી સોંપેલ . તેમના તથા મુનિબાવાના નિમંત્રણથી ભગવાન સ્‍વામિનારાયણ સુરતમાં પધારેલા. આ દરમ્‍યાન અફજુલ્લદીન અહમદખાનની કચેરીએ , અંગ્રેજ અમલદાર મિસ્‍ટર એરન સાહેબને બંગલે, સુરત જિલ્લાના ન્‍યાયાધીશ એન્‍ડરસન સાહેબના બંગલે ધામધૂમથી પધરામણીઓ કરેલી.

અરદેશરજી ત્રેવીસ વર્ષની વયે ઈસ્‍ટ ઇન્‍ડિયા કંપનીની કચેરીમાં મહેતાજી તરીકે દાખલ થયા. તેમની હોશિયારીથી ધીમે ધીમે તેઓ અમીન, પ્રિન્‍સિપાલ, સાદર અમીન, ન્‍યાયાધીશ, દીવાન, ખાસ કમિશ્‍નર અને કોટવાલના પદ સુધી પહોંચ્‍યા.       અરદેશરજીના ગુરુ સુરતના ભગવાન ગણાતા ૯૦ વર્ષના છતાં યુવાન દેખાતા મુનિબાવા હતા. મુનિબાવાને બ્રહ્માનંદ સ્‍વામીના યોગે ભગવાન શ્રી સ્‍વામિનારાયણની ઓળખાણ થઈ હતી અને તેમનો મહિમા સમજાયો હતો. આ અરદેશરજી કોટવાલને ભગવાન શ્રી સ્‍વામિનારાયણએ સુરતમાંથી વિદાય થતી વખતે આજથી ૨૦૦ વર્ષ પહેલા આજના દિવસે માગશર સુદ બીજના રોજ રૂસ્‍તમબાગમાં પોતાની પાઘ આપેલી.

     ભગવાને  તેમના મસ્‍તક ઉપર હાથ મૂકતાં કહ્યું  શેઠ ! તમે તમારા હોદ્દાનું માન મૂકયું, સત્તાનો ઘમંડ મૂકયો, અમને રાજી કરવા તમે સેવક બની ગયા. તમારા એ પ્રેમના ભાવથી જ તમને આ પ્રસાદી અમે આપી છે તે દિવ્‍ય છે. તેનાં દર્શનથી તમારી અમારા પ્રત્‍યેની ભક્‍તિ વધુ દૃઢ થશે. તેની રોજ પૂજા કરજો. એ પાઘના સંબંધથી તમારાં ઘર તીર્થ બની જશે. અમારા મોટા મોટા સંતો અને ભક્‍તો તમારે આંગણે આ પાઘનાં દર્શન કરવા આવશે, તેથી તમારા ઘરનું તીર્થત્‍વ સદા સચવાશે.ૅ

    પ્રભુસ્‍વામીના જણાવ્‍યાનુસાર ઘણાએ આ પાઘ લાખો રૂપિયામાં માંગેલ છે છતાં પોતાના પૂર્વજોને ભગવાનના રાજીપા રૂપે મળેલ અણમોલ પ્રસાદીની પાઘને જતન કરીને અરદેશરજીના વંશજો આજે સારી રીતે સાચવી રહ્યા છે.

    સ્‍વામિનારાયણ સંપ્રદાયના ભક્‍તો સુરતમાં આવે છે ત્‍યારે આ પાધના દર્શન કરવા પધારે છે. પારસી ભક્‍તો પણ ભાવથી દર્શન કરાવે છે , ઉપરાંત દર વર્ષે  કારતક સુદ બીજના દિવસે સુરતના દરેક ધર્મના હજારો શ્રધ્‍ધાળુઓ આ પાઘના દર્શન પૂજન કરી પોતાનો ધંધો શરૂ કરતા હોય છે .

આજના દિવસે વેડરોડ શ્રી  સ્‍વામિનારાયણ ગુરુકુળથી શ્રી પ્રભુ સ્‍વામી , શ્રી પુરુષોત્તમ સ્‍વામી,શ્રી જ્ઞાનપ્રકાશ સ્‍વામી તેમજ શામજી ભગત જશુભાઈ સુંદરીયાણાવાળા, અમેરિકાથી આવેલા રમેશભાઈ ગજેરા, ગાંધીનગર હેડકવાટરનાં પી.આઈ દિનેશભાઈ વાઘેલા, શ્રી શૈલેષભાઈ કાકડીયા , શ્રીધનશ્‍યામ ભાઈ તથા અરદેરશરજીના વંશજ શ્રી કેરશાસ્‍પ વાડિયાએ પાઘ તેમજ પ્રસાદીના શ્રીફળનું જનમંગલ સ્‍તોત્રના પાઠના ગાન સાથે પુષ્‍ય પાંખડીથી પૂજન, આરતી , દંડવત વગેરે કરેલ હતા.

(4:36 PM IST)