News of Tuesday, 3rd December 2024
અમદાવાદ પોલીસની ડ્રન્ક એન્ડ ડ્રાઇવમાં મોટી કાર્યવાહી : 481 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરાશે
અમદાવાદમાં વાહનચેકિંગ અને કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન પોલીસે અનેક ગુના નોંધ્યા: પોલીસે વાહનચાલકોના લાયસન્સની વિગતો RTOમાં મોકલી આપી

અમદાવાદ શહેર પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસ અંગે સૌથી મોટી કાર્યવાહી કરીને 481 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી છે.
અમદાવાદ પોલીસ દ્વારા ડ્રન્ક એન્ડ ડ્રાઇવ કોમ્બિંગ દરમિયાન 9 દિવસમાં જ અનેક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે પોલીસે વાહનચાલકોના લાયસન્સની વિગતો RTOમાં મોકલી આપી છે
25 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન પોલીસે અમદાવાદમાં કોમ્બિંગ અને વાહનચેકિંગની ડ્રાઇવ દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઇવના એક હજારથી વધારે ગુના નોંધીને વાહન જપ્ત કર્યા હતા. જે પૈકી 491 વાહનચાલકો પાસે ડ્રાઇવિંગ લાઈસન્સ હતા અને બાકીના અન્ય વાહનચાલકો લાઈસન્સ વિના વાહન ચલાવતા હતા.
અમદાવાદ પોલીસે 481 ડ્રાઇવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. જે માટે ટ્રાફિક વિભાગ જરૂરી કામગીરી પૂર્ણ કરીને RTOને ડેટા આપશે. ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ગુનામાં સૌથી આકરી કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર જીએસ મલિકે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સુચના પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ આઠ દિવસની પોલીસ ડ્રાઇવ દરમિયાન 1.07 લાખ વાહન તપાસીને 9862 ગુના નોંધીને 73 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે. આ ગુનાઓમાં કૂલ 4689 વાહન જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે એક હજારથી વધારે કેસ બ્લેક ફિલ્મ અને વાંધાજનક નંબર પ્લેટના હતા. આગામી દિવસોમાં પણ પોલીસની ડ્રાઇવ સમગ્ર શહેરમાં ચાલુ રાખવા માટે ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી છે અને નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
