<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

સુરતમાં 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે' તેવી લાલચ આપીને છેતરપીંડી કરનાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મધ્યપ્રદેશના સતનામાંથી આરોપી ધર્મેન્દ્રસિંગ ઉર્ફે લલઈ રામકલેશસિંગને ઝડપી પાડ્યો: આરોપી 10 વર્ષથી વોન્ટેડ હતો

સુરતમાં રૂપિયા 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે તેવી લાલચ આપી છેતરપીંડી કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો. આરોપી આ ગુનામાં છેલ્લા 10 વર્ષથી વોન્ટેડ હતો.

મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મધ્યપ્રદેશ રાજ્યના સતના જિલ્લામાંથી આરોપી ધર્મેન્દ્રસિંગ ઉર્ફે લલઈ રામકલેશસિંગને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપી અને તેના અન્ય સાગરીતોએ મળીને કૈલાશબેન રાણા નામની મહિલાને ગત 9 ઓક્ટોબર 2014થી 18 ઓક્ટોબર 2014 દરમિયાન તેઓના મોબાઈલ ફોન ઉપર કોલ કરી 25 લાખ રૂપિયાનીન લોટરી લાગી છે તેવી લોભામણી વાતો કરી હતી.

આ લોટરીના રૂપિયા જોઈતા હોય તો અમુક રકમ ભરવી પડશે તેમ જણાવી અલગ અલગ સમયગાળા દરમિયાન જુદા જુદા એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ્લે 1.60 લાખ રૂપિયા ભરાવી છેતરપીંડી વિશ્વાસઘાત કરી ગુનો આચર્યો હતો. આરોપીને પકડી પાડવા તેના વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ પણ ઉશ્યું થયું હતું. દરમિયાન આરોપી તેના વતનમાં પોતાના ઘરથી દુર ખેતરમાં અલગ મકાન બનાવી રહેતો હતો ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તેના ગામમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


 

(12:09 PM IST)