<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

દિવાળીએ ખરીદેલા ફટાકડા ન ફૂટતા વેપારીને અઢી હજારનો દંડ

ગ્રાહકની દિવાળી બગડી હોવાનું સ્‍વીકારી વડોદરા કન્‍ઝયુમર કોર્ટનો ચૂકાદો

વડોદરા તા.૩: દિવાળી એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, પણ દક્ષા મકવાણા અને તેના પરિવાર માટે જ્‍યારે તેમણે ખરીદેલા ફટાકડા ના ફૂટયા તો આ તહેવાર નિરાશાજનક બની ગયો.

ખરાબ ફટાકડાના કારણે તહેવારોમાં માનસિક ત્રાસ થયો હોવાનું સ્‍વીકારીને વડોદરા ગ્રાહક સુરક્ષા પંચે આવી ઘટનાથી બાળકોને માનસિક યાતના થયાનું કારણ આપીને ફટાકડાના વેપારીને દંડ ફટકાર્યો હતો.

વડોદરા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે વિક્રેતા શાલીમાર ટ્રેડર્સના અરવિંદ ખેરેને ગ્રાહક દક્ષા મકવાણાને માનસિક યાતના માટે અઢી હજાર અને ફટાકડાની કિંમત રૂપિયા ૧૩૦૦/ ૦૯ ટકા વ્‍યાજ સાથે અને કાનૂની ખર્ચ પેટે રૂપિયા ૩૦૦૦ ચૂકવવાનો આદેશ આપ્‍યો હતો.

૨૦૨૧ના ઓકટોબરમાં દક્ષા મકવાણાએ શાલીમાર ટ્રેડર્સ પાસેથી ૧૩૦૦ રૂપિયાના ફટાકડા ખરીધા હતા પણ તેમાંથી એક પણ ફટાકડા અપેક્ષા પ્રમાણે ફૂટયો નહોતો. તેણીએ વેપારીનો સંપર્ક કરીને તેને પૈસા પાછા આપવા અથવા ફટાકડા બદલી આપવા વિનંતી કરી હતી પણ ખેરેએ બન્ને માટે ના પાડી હતી.

આ બાબતે ન્‍યાય મેળવવાનું નકકી કરીને દક્ષા મકવાણાએ જૂન ર૦રરમાં ગ્રાહક સુરક્ષા પંચમાં ફરીયાદ કરી હતી જેમાં તેણીએ ખરીદીના બિલો પુરાવા તરીકે રજૂ કર્યા હતા.

રસપ્રદ બાબત એ છે કે બીલ અન્‍ય વેપારીના નામનું હતું જેની પણ પંચે નોંધ લઈને તેને અયોગ્‍ય વેપારી નીતિ ગણાવી હતી. પંચે ભારતીય સંસ્‍કૃતિમાં દિવાળીના મહત્‍વ પર પણ ભાર મૂકયો હતો.

પંચે કહ્યું ‘આ તહેવાર માટે ખાસ ખરીદેલા ફટાકડા જ્‍યારે ફૂટે જ નહીં તો તહેવારના આનંદ પર પાણી ફરી વળે છે અને તેનાથી માનસિક યાતના ઉદ્ભવે છે, ખાસ કરીને બાળકો માટે.'

(10:51 AM IST)