તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
ગુજરાતમાં CIDના દરોડા પડતા રાજસ્થાનમાં પણ BZની ઓફિસે વાગ્યા તાળા
ડુંગરપુરમાં આવેલી BZ ગ્રુપની ઓફિસે તાળા વાગેલા જોવા મળ્યા છે

અમદાવાદ,તા.૧,
રાજસ્થાનમાં ડુંગરપુર ઓફિસ પર BZનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું હતું. રણાસણ ઓફિસની ટપાલના દસ્તાવેજ મળ્યા હતા. ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ ગ્રુપની ઓફિસ મળી આવતા હવે આ કૌભાંડ આંતરરાજ્ય હોવાની પૂરેપૂરી સંભાવના છે. ગુજરાતમાં દરોડા પછી રાજસ્થાનમાં પણ ગ્રુપની ઓફિસ બંધ થઈ ગઈ છે.
BZ ફાયનાન્સિયલ સર્વિસના નામે ૬૦૦૦ કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં CID ક્રાઈમે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ સાથે પોલીસે રાજ્યના તમામ જિલ્લાઓની રજિસ્ટ્રાર કચેરીઓ પાસેથી માહિતી મંગાવી છે, જેથી એ જાણી શકાય કે ભૂપેન્દ્ર સિંહે બીઝેડ કંપની અને તેના નજીકના સંબંધીઓ અને વિશ્વાસુઓના નામે મિલકતોમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. લોકો આ સિવાય અન્ય ૧૦૦થી વધુ પીડિતોએ પોલીસનો સંપર્ક કરીને તેમની સાથે થયેલી છેતરપિંડી વિશે માહિતી આપી છે.
બીઝેડ અને ભૂપેન્દ્ર સિંહની નજીકના લોકોના નામે કરેલા રોકાણોની માહિતી મેળવવા માટે ૩૩ જિલ્લાની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ તપાસ કરવામાં આવશે. પોલીસ તબક્કાવાર બહાર આવેલી માહિતીના આધારે આ મિલકતો જપ્ત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોડાસાના લીંભોઇ ગામમાં ભૂપેન્દ્રસિંહે રૂ.૩ કરોડનું ફાર્મહાઉસ બનાવ્યું હતું.
આ ઉપરાંત મોડાસાના સાંકરિયા ગામમાં ભૂપેન્દ્રસિંહે પોતાના નામે ૧૩૪૮૫ ચોરસ મીટર જમીન ખરીદી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. આ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર અને મધ્ય ગુજરાત અને ગાંધીનગરમાં BZ ફાયનાન્સિયલ સર્વિસના નામે ઓફિસો ખોલી રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી છે. ૬,૦૦૦ કરોડના કૌભાંડની તપાસ માટે સીઆઈડી ક્રાઈમે અલગ-અલગ મુદ્દાઓ અલગ કરીને અલગ-અલગ ટીમો બનાવી છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
