News of Thursday, 28th November 2024
ધોરણ-૬થી ૮ના પુસ્તકો પુરતી સંખ્યામાં મળતા ન હોવાની ફરિયાદ
રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્ર શરૂ થયાના ૧૦ દિવસ બાદ પણ ઘણી ખાનગી સ્કૂલોના

અમદાવાદ, તા.૨૮: રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્ર શરૂ થયાના ૧૦ દિવસ બાદ પણ ઘણી ખાનગી સ્કૂલોના ધોરણ-૬થી ૮ના વિદ્યાર્થીઓને બીજા સેમેસ્ટરના પુસ્તકો મળ્યા ન હોવાની વિગતો સામે આવી છે. દિવાળી વેકેશન પછી પુસ્તકો લેવા માટે વાલીઓ બજારમાં નિકળ્યા ત્યારે પુસ્તકોનો સ્ટોક પુરો થઈ ગયો હોવાનું દુકાનદારોએ જણાવ્યું હતું. બીજી બાજુ વિક્રેતાઓ દ્વારા પુરતી ડિમાન્ડ કરવામાં આવી ન હોવાના કારણે હાલમાં પુસ્તકોની તંગી વર્તાઈ રહી હોવાનું પણ જાણવા મળે છે. વિક્રેતાઓની ડિમાન્ડના આધારે પુસ્તકો પ્રિન્ટ કરીને મોકલવામાં આવતા હોય છે, જેથી ડિમાન્ડ મુજબના પુસ્તકો મોકલ્યા બાદ તે સ્ટોક પુરો થઈ ગયા પછી માગણી આવતા પ્રિન્ટ કરીને પુસ્તકો આપવામાં આવી રહયા હોવાનું જાણવા મળે છે.
રાજ્યની શાળાઓમાં બીજુ શૈક્ષણિક સત્રનો ૧૦ દિવસ પહેલા પ્રારંભ થઈ ચુકયો છે. જોકે, સત્ર શરૂ થયા બાદ પણ હજુ શહેરની ઘણી સ્કૂલોમાં ધોરણ-૬થી ૮ના વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહયા ન હોવાનું સામે આવ્યું છે. બીજા સેમેસ્ટરના પુસ્તકો માટે વાલીઓ બજારોમાં ફરતા જોવા મળી રહ્યા છે. વાલીઓના જણાવ્યા પ્રમાણે જ્યારે તેઓ પુસ્તકો લેવા માટે દુકાન પર જાય છે ત્યારે સ્ટોક ન હોવાનું જણાવવામાં આવે છે. જ્યારે આગામી સ્ટોકને આવતા હજુ ૧૦ દિવસ જેટલો સમય લાગશે તેમ દુકાનદારો જણાવી રહ્યા છે. આ સમસ્યા માત્ર ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને જ નડી રહી છે. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને સીધા જ પુસ્તકો મંડળ તરફથી મળતા હોવાથી તેમને પુરતી સંખ્યામાં પુસ્તકો મળી ચુકયા છે. પરંતુ ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને બજારમાંતી પુસ્તકો લેવાના રહેતા હોવાથી તેમને પુસ્તકો મળતા ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, પુસ્તકોના વિક્રેતાઓ દ્વારા મંડળ સમક્ષ ડિમાન્ડ કરવામાં આવે તેના આધારે પુસ્તકો પ્રિન્ટ કરીને મોકલવામાં આવતા હોય છે. અમદાવાદના વિક્રેતાઓ દ્વારા સમયસર અને જોઈએ તેટલી ડિમાન્ડ કરી ન હોવાથી પુસ્તકો પુરતા મળ્યા ન હોવાનું જાણવા મળે છે. વિક્રેતાઓ દ્વારા શરૂઆતમાં ઓછી ડિમાન્ડ કરવામાં આવતા તેટલા પુસ્તકો મોકલાયા હતા, જેનો સ્ટોક થોડા જ દિવસોમાં પુર્ણ થયા બાદ વિક્રેતાઓ દ્વારા પાછળથી માગણી કરવામાં આવી હતી. જેથી આ માંગણી મુજબના પુસ્તકો પ્રિન્ટ થવામાં સમય લાગે તેમ હોવાથી મોડુ થયુ હોઈ શકે છે. જોકે, માગણી મુજબના પુસ્તકો પ્રિન્ટ થઈને આવી ગયા હોવાનું અને ટૂંકમાં જ માર્કેટમાં પણ પહોંચાડી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જેથી આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહેશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
