તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd October 2024
દાના ચક્રવાતની અસરઃ પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ
26 ઓક્ટોબરે પુરીથી ઉપડતી ટ્રેન પુરી-ગાંધીધામ(ટ્રેન નંબર- 22974) એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ

અમદાવાદ :વાવાઝોડું દાના બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 24 કલાકમાં આ વાવાઝોડું તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થઇ શકે છે. જેના પગલે ગુજરાતથી પૂર્વિય તટ વિસ્તારમાં જતી ટ્રેન પ્રભાવિત થઇ છે. પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર, દાના વાવાઝોડાના અસરના પગલે પુરી-ગાંધીધામ વચ્ચે દોડતી ટ્રેનને 26 ઓક્ટોબરના રોજ રદ કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આજે જણાવવામાં આવ્યું છેકે, પૂર્વ તટ રેલવેમાં ચક્રવાત દાનાના મુસાફરોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. 26 ઓક્ટોબર 2024ના રોજ પુરીથી ઉપડતી ટ્રેન પુરી-ગાંધીધામ(ટ્રેન નંબર- 22974) એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. મુસાફરો ટ્રેનોના સમય અને સ્ટોપેજ સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
વાવાઝોડું દાના બંગાળની પૂર્વીય ખાડી પર છેલ્લા 6 કલાકમાં 13 કિ.મી.ની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું પારદીપથી દક્ષિણપૂર્વમાં 490 કિ.મી., ધામારા(ઓડિશા)થી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં 520 કિ.મી. અને પશ્ચિમ બંગાળના સાગર આઇલેન્ડથી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં 570 કિ.મી. દૂર છે.
આ વાવાઝોડું ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 24મીએ વહેલી સવારે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે અને ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વચ્ચે પુરી અને સાગર આઇલેન્ડમાંથી પસાર થઇ શકે છે. તેમજ 24 ઓક્ટોબરની રાતથી 25 ઓક્ટોબરની સવાર સુધીમાં ભીતરકનિકા અને ધમારા(ઓડિશા)ની નજીક આવી શકે છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
