તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Sunday, 20th October 2024
વિકાસની વાતો પોકળ :પ્રાથમિક સુવિધાનાં અભાવે ગ્રામજનોએ પ્રસૃતાને 3 કિલોમીટર દૂર ઝોળીમાં ઉંચકી 108 સુધી પહોંચાડી
છોટા ઉદેપુરનાં ગ્રામીણ વિસ્તારમાં પાયાની જરૂરીયાત ન હોવાને કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા વિકાસની મોટી મોટી ગુલબાંગો ફુકાય છે ત્યારે છોટા ઉદેપુરનાં ગ્રામીણ વિસ્તારમાં પાયાની જરૂરીયાત ન હોવાને કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પ્રાથમિક સુવિધાનાં અભાવે ગ્રામજનોએ પ્રસૃતાને 3 કિલોમીટર દૂર ઝોળીમાં ઉંચકીને 108 સુધી પહોંચાડી હતી
આદિવાસી વિસ્તાર એવો છોટાઉદેપુર જીલ્લો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત રહેવા પામ્યો છે. ત્યારે ગ્રામજનોને હોસ્પિટલ જવા માટે પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એક જ મહિનામાં ત્રણ વખત આ વિસ્તારમાં તબીબો, હોસ્પિટલનાં અભાવે પ્રસૃતા મહિલાઓને વાંસ અને ઝોળીનાં સહારે ગ્રામજનો દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહી છે.
ગત રોજ છોટાઉદેપુર જીલ્લાનાં તુરખેડા ગામે રહેતી મહિલાને અચાનક પ્રવસપીડી શરૂ થતા તેને તાત્કાલીક સારવારની જરૂર હતી. પરંતું ગ્રામીણ વિસ્તારમાં રસ્તાનાં અભાવે ગ્રામજનો દ્વારા તેને તાત્કાલીક હોસ્પિટલ પહોંચાડવી શક્ય ન હતી. જે બાદ ગ્રામજનો દ્વારા વાંસનાં સહારે ઝોળીમાં મહિલાને 3 કિલોમીટર સુધી ઉંચકી લઈ જવામાં આવી હતી. જે બાદ આંબા ડુંગરથી 108 મારફતે સગર્ભાને ક્વાંટ સામુહિક કેન્દ્રમાં ખસેડાઈ હતી. ત્યારે આ સમગ્ર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ તો ઠીક પણ જીવનજરૂરીયાતની ચીજ વસ્તુઓ પણ મુશ્કેલીથી મળે છે. આ વિસ્તારમાં સ્વાસ્થ્ય જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવો ચિંતાજનક છે.
આ સમગ્ર વિસ્તારમાં એક મહિનામાં ત્રીજી ઘટના બનવા પામી છે.જ્યાં તબીબો, હોસ્પિટલ કે પ્રાથમિક સારવાર વિનાં સગીરાને વાંસ અને ઝોળીનાં સહારે મહિલાને હોસ્પિટલ લઈ જવી પડી છે. તેમજ કુપોષણની સમસ્યાથી પીડાતા આ વિસ્તારમાં પ્રસવ દરમ્યાન મહિલાને આ રીતે લઈ જવાની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. ત્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં તેઓને કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ત્યાર ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે ગ્રામજનો માટે ઈમરજન્સી સેવા અને પ્રાથમિક આરોગ્યની સેવાઓ તેઓને મળી રહે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ જો પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નહી આવે તો આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
કવાંટ તાલુકાના તુરખેડા ગામની મહિલાને પ્રસુતિ માટે પીડા ઉપડતા ગ્રામ જનો મુશ્કેલીમાં મુકાયા હતા. મહિલાને ડુંગર ગામ સુધી ઉંચકીને લાવ્યા હતા.આંબા ડુંગર 108 આવી પહોંચતા કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ જવાઇ હતી. તુરખેડા ગામે સતત 30 દિવસમાં ત્રીજી વખત પ્રસૂતાને ઝોળીમાં લઈ જવાની ઘટના બની છે. તુરખેડા ગામે રોડ- રસ્તા ન હોવાના કારણે, આરોગ્યની સુવિધા ન હોવાને કારણે સગર્ભાને ઝોળીમાં નાખી દવાખાને લઇ જતા હતા. ત્યારે ઈમરજન્સી સારવાર ન મળતા લોકો ખૂબ દુઃખી થાય છે. આદિવાસી સમાજ માટે બહુ આઘાતજનક, શરમજનક, હ્રુદયદ્રાવક ઘટના છે. આ એક જ ગામમાં ત્રીજી ઘટના બની છે જે ખુબ જ શરમજનક ઘટના છે.
અહીંથી નજીક ના વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. એજ વિસ્તારના આદિવાસી ગામડાઓના લોકો હજુ પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ગ્રામજનો માટે રસ્તો નસીબ નથી. ગ્રામજનોએ સરકાર ના સત્તાવાળાઓ ને રસ્તો બનાવવા માટે વારંવાર રજૂઆતો કરી હતી, રસ્તો બનાવવા માટે સરકાર ને પણ વારવાર દરખાસ્તો મોકલી હતી. પરંતુ સરકારે કોઈ ધ્યાને ન લીધું.
સરકાર એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે. મહિલા સશક્તિકરણ ની વાતો કરે છે. સમાનતા ની વાત થાય છે ત્યારે આ ગામમા પાકો રસ્તોજ નથી આ ગામમાં પ્રાથમિક સુવિધાજ નથી. જો સરકાર સુવિધાઓ ન કરી આપે તો જલંદ આંદોલન થશે તેવી શક્યતા છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
