તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 10th October 2024
ડેડીયાપાડાના નવાગામમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમમા લોકોની રજુઆત:મધ્યાહન ભોજનનાં સંચાલકો પાસેથી પંદર ટકા કમિશન લેવામાં આવે છે
ડી.આર.ડી, ટ્રાઈબલ સબ પ્લાન, મધ્યાહન ભોજન જેવાં અગત્યનાં વિભાગમાંથી કોઈ પણ હાજર રહ્યું ન હતું.આ અધિકારીઓની ગેરહાજરી બાબતે મનસુખભાઈ વસાવાએ ગંભીર નોંધ લીધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નવાગામમાં બે જિલ્લા પંચાયતનાં 60 ગામોનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો.જેમા ઉપસ્થિત લોકોએ ભાજપ સાંસદ મનસુખ વસાવાને ભ્રષ્ટાચારની અને સ્થાનિક અધિકારીઓ વિરુદ્ધની ગંભીર ફરિયાદો કરી હતી. દરમિયાન ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ આવા ગંભીર પ્રશ્નોને લઈ તુરંત નર્મદા જિલ્લા કલેકટરને જાણ કરી કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.
ડેડીયાપાડા તાલુકાના નવાગામમાં બે જિલ્લા પંચાયતનાં 60 ગામોનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા, ડેડીયાપાડા પ્રાંત અધિકારી, ડેડિયાપાડા મામલતદાર તથા ડેડિયાપાડા ના ટી.ડી.ઓ ઉપસ્થિત રહ્યા હતા.પરંતુ ડી.આર.ડી, ટ્રાઈબલ સબ પ્લાન, મધ્યાહન ભોજન જેવાં અગત્યનાં વિભાગમાંથી કોઈ પણ હાજર રહ્યું ન હતું.આ ખાતાના અધિકારીઓની ગેરહાજરી બાબતે મનસુખભાઈ વસાવાએ ગંભીર નોંધ લીધી હતી.
આ કાર્યક્રમમાં હાજર મધ્યાહન ભોજનનાં સંચાલકોએ મનસુખભાઈ વસાવાને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે અમારી પાસેથી પંદર ટકા કમિશન લેવામાં આવે છે.કેટલાંક વિભાગનાં કામો માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. જો કે આ બાબતે મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા કલેકટરનો સંપર્ક કરી ધ્યાન દોર્યું હતું.
આ બાબતે મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો આશય ખૂબ જ સારો છે.ગરીબ લોકોને ઘરઆંગણે જ વિવિધ યોજનાઓનો લાભ મળે. પરંતુ વિવિધ વિભાગોમાં યોગ્ય રીતે કામ થતું ન હોવાથી લોકો નારાજ છે એ પણ સત્ય હકીકત છે.ડેડીયાપાડા જેવી જ સ્થિતિ સાગબારા તાલુકામાં પણ છે.તાલુકા વિકાસ અધિકારી અને તેમના હાથ નીચેના અધિકારીઓ વિશે પણ ગંભીર ફરિયાદ મારી પાસે આવી છે.વારંવાર રજૂઆતો છતાં તેઓ લોકોનું કામ કરતા નથી.સરકારમાં જવાબદાર મહાનુભવોનું આ અંગે મેં ધ્યાન દોર્યું છે
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
