News of Saturday, 28th September 2024
બેફામ બસ હંકારી તો ખેર નહીં, કોર્ટે કરી એએમટીએસ ડ્રાઈવરને 15 મહિનાની કેદની સજા, બે વર્ષ માટે લાયસન્સ સસ્પેન્ડ
એક ચુકાદો આપતા કોર્ટે કહયું આવા કિસ્સા વધી રહ્યા છે અને આરોપી સામે કેસ પુરવાર થયો છે, જેથી આરોપી સામે દયા દાખવી શકાય નહીં

અમદાવાદ : શહેરના નરોડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ધુળાભાઈ નાડિયા એ.એમ.ટી.એસ. વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. આ ડ્રાઈવર અશોકભાઈ 16 જૂન 2018ના રોજ સીટીએમ ખાતે એ.એમ.ટી.એસ. બસ લઈ સાંજે 6.30 વાગ્યે પસાર થઈ રહ્યા હતા. ત્યારે બસ ફૂલ સ્પીડમાં હતી અને તેણે રસ્તો ક્રોસ કરતા સુનમ રાહુલભાઈ દોલતાણી અને રાહુલ દોલતાણી સાથે બસે અકસ્માત કર્યો હતો.
બસ ચાલક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રાફિક પોલીસનું બૂથ અને સ્ટ્રીટ લાઈટ તૂટી ગઈ હતી. આ ઘટના બાદ બંને ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ઈજાગ્રસ્ત યુવક રાહુલ દોલતાણીનું મોત થયું હતું. આ અકસ્માત મામલે અનિલભાઈ રામલાલજી પટેલે એ.એમ.ટી.એસ. વિભાગમાં ડ્રાઈવર અશોકભાઈ નાડિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કેસમાં વધુ તપાસ કરી ચાર્જશીટ કરી હતી.
સરકારી વકીલે પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સામેનો ગુનો નિઃશંકપણે પુરવાર થાય છે, એએમટીએસ બસના ડ્રાઈવરો દ્વારા અવારનવાર ભયજનક રીતે વાહન ચલાવી અકસ્માત કરવામાં આવે છે, આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે. આરોપીની ભૂલને કારણે એક નિર્દોષ વ્યક્તિનું મોત નિપજ્યું છે, શહેરમાં અકસ્માતના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે માટે યોગ્ય સજા કરવી જોઈએ. જ્યારે આરોપી તરફે ઓછી સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી. બંને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપી બસ ડ્રાઈવરને 15 મહિના કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આવા કિસ્સા વધી રહ્યા છે, આરોપી સામે કેસ પુરવાર થાય છે, ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
