તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th September 2024
સાયબર ટોળકીના બ્લેકમેઇલિંગથી ત્રાસી કતારગામમાં રહેતા યુવકે આપઘાત કર્યો
કતારગામ પોલીસે રાજસ્થાનના અલ્વરના ગોવિંદગઢ તાલુકામાં ઓપરેશન હાથ ધરી 17 વર્ષની સગીર સહિત બે વ્યક્તિને દબોચી લીધા

સુરત :અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેઈલિંગ કરતી સાયબર ટોળકીથી ત્રાસી કતારગામ વિસ્તારમાં રહેતા યુવકે આપઘાત કર્યો છે,આ સમગ્ર બનાવમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને કતારગામ પોલીસે રાજસ્થાનના અલ્વર જિલ્લાનાં ગોવિંદગઢ તાલુકામાં ઓપરેશન હાથ ધરી 17 વર્ષની સગીર સહિત બે વ્યક્તિને દબોચી લીધા હતા.
મળતી માહિતી મુજબ ગત નવમીએ મળસ્કે પાંચ વાગ્યાના અરસામાં કતારગામ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જવેલરી શોપમાં નોકરી કરતો યુવકે કરેલો આપઘાત પરિવારજનો માટે આશ્વ ર્યજનક હતો, કારણ કે દેખીતી રીતે કોઈ સમસ્યા ન હતી.
સવારે આ યુવકની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતું ત્યારે જ આ મૃતકનો ફોન રણક્યો હતો. ફોન મૃતકના પિતરાઈએ ઊંચક્યો હતો. યુવકના મોતથી અજાણ ટોળકીએ સીધી જ નાણાંની વાત કરી હતી અને નાણાં ટ્રાન્સફર કરવા કહેતાં પિતરાઈ ચોંક્યા હતા. 23 વર્ષીય યુવકે કરેલા આપઘાત માટે તેને બ્લેકમેઇલિંગ કરવામાં આવતું હોવાનું બહાર આવતાં તેનો મોબાઈલ ફોન ચેક કર્યો હતો. તેમાં તેને બ્લેકમેઇલિંગ કરી ખંડણી માંગતા મેસેજીસ પણ જોવા મળ્યા હતા.
એકાઉન્ટમાંથી 4500 જેટલી રકમ અજાણ્યા એકાઉન્ટમાં જમા પણ થઈ હોઈ સ્વજનો પોલીસ મથકે પહોચ્યા હતા.આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પોલીસની એક ટીમ રાજસ્થાનના અલવર જિલ્લામાં પહોંચી હતી. અહીં છતરપુરમાં ઓપરેશન હાથ ધરી બ્લેકમેઈલર ટોળકીનાં બરકત કાલુ ખાન અને ૧૭ વર્ષીય સગીરને દબોચી લીધા હતા.
આરોપીની શોધખોળ કરવા માટે કતારગામ પોલીસની એક ટીમ રાજસ્થાનના અલવર પહોંચી હતી. આરોપીને શોધવા માટે પોલીસ બાઈક પર ફરી હતી તેમજ વેશપલટો કરીને સતત પાંચ દિવસ ત્યાં રોકાઈ હતી. આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ મળી આવ્યા છે. તેમના એકાઉન્ટમાં 93 હજાર રૂપિયા પણ છે જે જપ્ત કરાયા છે.
હાલ આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર છે. હાલ આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતએ જણાવ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ આવી ગેંગનો શિકાર બને છે તો કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પોલીસનો તાત્કાલિક સંપર્ક કરે પોલીસ દ્વારા ચોક્કસપણે તેઓની મદદ કરવામાં આવશે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
