News of Tuesday, 17th September 2024
મુખ્યમંત્રી રજા ઉપર વિદેશ જવાના હોવાની વાત બિલકુલ ખોટી :હર્ષ સંઘવીએ કહ્યું -અફવા ફેલાવનાર સામે તપાસ શરૂ
સુરતમાં એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, આવી અફવાઓ કોણ ફેલાવે છે? મુખ્યમંત્રી ક્યાંય વિદેશ જવાના નથી. આ હાથ-માથા વગરની અફવા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પુત્રની સારવાર માટે વિદેશ જવાના અહેવાલો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ખફા થયા છે તેમણે આ બાબતે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી રજા ઉપર વિદેશ જવાના હોવાની વાત બિલકુલ અફવા છે અને અફવા ફેલાવનાર સામે તપાસ શરૂ કરી દેવાઈ છે.
તેમણે સુરતમાં એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે કહ્યું કે, આવી અફવાઓ કોણ ફેલાવે છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યાંય વિદેશ જવાના નથી. આ હાથ-માથા વગરની અફવા છે. તેમણે ગુસ્સે ભરેલા અંદાજમાં ચેતવણી સાથે કહ્યું કે, અમે આ વાત અંગે તપાસ શરૂ કરી દીધી છે અને જેણે આ અફવા ફેલાવી છે તેને નોટિસ પણ ફટકારવામાં આવશે.
સોશિયલ મીડિયા પર બે દિવસથી વાત ફેલાઈ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી પુત્રની સારવાર કરાવવા માટે અમેરિકા જવાના છે અને તેમણે આ માટે વડાપ્રધાન મોદી સાથે વાત પણ કરી છે. આ દરમિયાન એવી પણ ચર્ચા સામે આવી હતી કે, મુખ્યમંત્રી રજા પર ઉતરે તો મુખ્યમંત્રી પદનો ચાર્જ કોને સોંપવામાં આવશે, ત્યારે હવે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી સાથે ખુલાસો કરવો પડ્યો છે કે, આ વાતો માત્ર અફવા છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજ પટેલને ગત વર્ષે એપ્રિલ મહિનામાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તેમની મુંબઇમાં સારવાર કરવામાં આવી હતી. જોકે તેમનીની સ્થિતિમાં કોઇ સુધારો ના થતા મુખ્યમંત્રી અમેરિકા જઇને વધુ સારવાર કરાવવા માંગે છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
