તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
ભારે વરસાદને કારણે ઉમરપાડાની મધુવન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક
ઉમરપાડામાં આભ ફાટયું ! ચાર કલાકમાં ૧૦ ઇંચ વરસાદ

સુરત, તા.૧૦: ઉમરપાડા માટે આજનો દિવસ ભારે લાગી રહ્યો છે. ઉમરપાડામાં આજે સવારે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યાં આજે સવારે ચાર કલાકમાં ૧૦ ઇંચ વરસાદ ખાબકયો છે. ભારે વરસાદને કારણે વેલાવીથી ડેડીયાપાડાને જોડતો રસ્તો તૂટી ગયો છે. મુશળધાર વરસાદ બાદના ધસમસતા પ્રવાહને કારણે રસ્તાને નુકસાન થયું છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતના ઉમરપાડામાં આજે સવારે ૧૦ ઇંચ વરસાદ વરસ્યો હતો. તો ગઈકાલે રાતે પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ઉમરપાડાની મધુવન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે.
ઉમરપાડા વિસ્તારમાંથી પસાર થતી વીરા નદીમાં ઘોડાપુર આવતા વહાર ગામથી બલાલકુવા જામકુઈ સહિતના જોડતા લો-લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યાં છે.
ઉમરપાડા તાલુકામાં વરસેલા ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓને નુકસાન થયું છે. પાણીના ધસમસતા પ્રવાહને કારણે રસ્તાની એક સાઈડમાં નુકસાન થયું છે. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો તંત્રએ આશ્વાસન આપ્યું છે કે, પાણી ઓસરતા જ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.
આજે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં એટલે કે, ચાર કલાકમાં ૫૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં સૌથી વધુ ૧૦ ઇંચ વરસાદ ખાબકયો છે. આ સાથે ખેરગામ અને સાગબારામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નર્મદા ડેડિયાપાડામાં ૧.૮૫ ઇંચ જ્યારે બારડોલીમાં ૧.૪૨ ઇંચ વરસાદ નોંધાયો છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
